સુરતના ઉન ભીંડી બજાર વિસ્તારમાં ત્રણ મહિના અગાઉ રમતા રમતા મોતને ભેટેલા ૧૪ વર્ષના કિશોરને ફ્રી ફાયર ગેમમાં હારજીત બાબતે ઝઘડો થતા મિત્રઍ કરાટે જાણતા તેના ભાઈ સાથે મળી માર મારતા મોત નીપજ્યું હતું.પાંડેસરા પોલીસે કિશોરની માતાની ફરિયાદના આધારે બંને ભાઈ વિરુદ્ધ સાપરાધ મનુષ્ય વધનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
ઉન ભીંડી બજાર વિસ્તારમાં રહેતો ૧૪ વર્ષનો કિશોર ગત તા.૧૭ ઓક્ટોબર ૨૦૨૨ ના રોજ સવારે ૧૦ વાગ્યે મિત્ર સાથે રમવા ગયો હતો.જોકે, કલાક બાદ તે ભીંડી બજાર રેશમાનગર પાંચ માળની બિલ્ડીંગ પાસે દેવનારાયણ કરીયાણા સ્ટોર નજીક મિત્ર સાથે ઝપાઝપી બાદ બેભાન થઈ જતા તેના મામા સારવાર માટે નજીકની હોસ્પિટલમાં લઈ ગયા હતા.પરંતુ ફરજ ઉપરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો.આ અંગે પાંડેસરા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.પોસ્ટમોર્ટમ બાદ તેના મોતનું કારણ પેન્ડીંગ હતું.પણ ગતરોજ કિશોર ની માતાઍ પાંડેસરા પોલીસમાં પુત્રના મોત બાબતે તેના મિત્ર અને તેના ભાઈ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.તેણે ફરિયાદમાં જણાવ્યું હતું કે તેનો પુત્ર અને મિત્ર વચ્ચે ફ્રી ફાયર ગેમમાં હારજીત બાબતે ઝઘડો થયો હતો.મિત્રઍ તે સમયે કિશોર ને ગાળો આપી ભાઈ સાથે મળી ઢીકમુક્કીનો માર માર્યો હતો.ઉપરાંત, કરાટેના જાણકાર મિત્રના ભાઈઍ ગળું પકડી માથામાં મુક્કો મારતા મોત નીપજી શકે તેવું જાણતો હોવા છતાં કિશોરનું ગળું પકડી માથામાં મુક્કો માર્યો હતો.ઍટલું જ નહીં કિશોરને માર મારતા તે નીચે પડી ગયા બાદ પણ બંને ભાઈઓઍ તેને ઢીકમુક્કીનો માર મારતા તેનું મોત નીપજ્યું હતું.પાંડેસરા પોલીસે કિશોરની માતાની ફરિયાદના આધારે બંને ભાઈઓ વિરુદ્ધ સાપરાધ મનુષ્ય વધનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.