ગુજરાત સરકારે હાલમાં ગેરકાયદે બાંધકામ કાયદેસર કરવા માટે ઇમ્પેક્ટ ફીનો કાયદો જાહેર કર્યો છે. પરંતુ આ વખતે ઈમ્પેક્ટ ફી ના નિયમો અટપટા હોવાથી લોકો પોતાની ગેરકાયદેસર મિલકત કાયદેસર કરાવવા માટે આગળ આવતા નથી. ઈમ્પેક્ટ હેઠળ ઘણી ઓછી અરજી આવી હોવાથી સૌથી વધુ ગેરકાયદે બાંધકામનો અંદાજ છે તેવા પાલિકાના કતારગામ ઝોને ઈમ્પેક્ટ ફી ના અમલ માટે જાહેર નોટીસ બહાર પાડી છે.
સુરત પાલિકાના કતારગામ ઝોનમાં સૌથી વધુ ગેરકાયદે બાંધકામ હોવાનો અંદાજ હોવાથી કતારગામ ઝોન દ્વારા ઇમ્પેક્ટ કાયદાનો લાભ લેવા માટે જાહેર નોટિસ પણ પ્રસિધ્ધ કરવામા આવી છે. નોટિસ મા જણાવવામા આવ્યું છે કે, સુરત શહેર અને રાજ્યના અન્ય વિસ્તારમાં થયેલા અનઅધિકૃત બાંધકામ દુર કરવા, તોડી પાડવા થી મોટી સંખ્યામાં લોકોને અને ખાસ કરીને જેમની મહેનતથી કમાયેલી બચત નું રોકાણ કરેલ છે. તેવા સામાન્ય માણસને હાડમારી થવાની સંભાવના જોતા આ વટહુકમ હેઠળ અમુક અનઅધિકૃત વિકાસને નિયમિત કરવા માટેનો વટહુકમ ૩/ર૦રર, તા.૧૭/૧૦/ર૦રર થી અમલમાં આવેલ છે.અનઅધિકૃત વિકાસને નિયમિત કરવા માટે અમલમાં ર૦૧૧ નાં કાયદા હેઠળ જે અરજદારોની અરજી મંજુર કરવામાં આવેલ હોવા છતાં જેઓઍ જે તે સમયે ઇમ્પેકટ ફીની રકમ ભરપાઈ કરેલ નથી. તેવા અરજદારોને હાલમાં અમલમાં ગુજરાત અનઅધિકૃત વિકાસને નિયમિત કરવા બાબત નો વટહુકમ અંતર્ગત નિયત સમય મર્યાદામાં નવેસરથી અરજી કરી આ વટહુકમનો લાભ લઈ સ્થળ પર થયેલ અનઅધિકૃત વિકાસને નિયમિત કરવા તાકીદ કરવામાં આવે છે. નિયમિત ન થયેલ હોય તેવા બિનઅધિકૃત બાંધકામ સામે મુદત વિત્યે થી આવા બાંધકામ દુર કરવાની કે બિનઅધિકૃત વસવાટ કે વપરાશ બંધ કરવાની કડક કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેવું પણ જણાવવામા આવ્યું છે.