હરિપુરા મેઈન રોડ રૂવાળા ટેકરા ખાતે ફૂટપાથ પર રહેતી વિધવા મહિલાની દોઢ વર્ષની બાળકીના અપહરણની ઘટના સામે આવતા પોલીસ દોડતી થઇ ગઇ છે. મહિધરપુરા પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરી છે.બાળકીનું અપહરણ પંદર દિવસથી જ વિધવા મહિલાની નજીક રહેવા આવેલી અને બાળકીને રોજ રમાડતી ૪૦ વર્ષીય મહિલાઍ જ કર્યું હોય તેથી પોલીસે તે દિશામાં તપાસ કેન્દ્રીત કરી છે.જાકે ગુનાની ગંભીરતા જાઇ ક્રાઈમ બ્રાન્ચ પણ તપાસમાં જોડાઈ ગઇ છે.મહિધરપુરા પોલીસ સ્ટેશને સમગ્ર ઘટનાને ગંભીરતાથી લેતા અલગ અલગ ટીમ બનાવીને શોધખોળ શરૂ કરી છે.
મૂળ ભાવનગરની વતની અને ત્રણ વર્ષ અગાઉ પતિને ગળાનું કેન્સર હોય તેની સારવાર માટે ત્રણ બાળકો સાથે સુરત આવેલી ૪૦ વર્ષીય શારદાબેન ધીરૂભાઇ દેવીપુજક દોઢ વર્ષ અગાઉ ફરી બાળકીની માતા બની તે અરસામાં જ પતિને પણ ગુમાવ્યો હતો.પતિના અવસાન બાદ તે ચારેય બાળકો સાથે હરિપુરા મેઈન રોડ રૂવાળા ટેકરા વિષ્ણુ જવેલર્સની બહાર ફૂટપાથ ઉપર રહીને દાંતણ વેચી નિર્વાહ કરતી હતી.૧૫ દિવસ અગાઉ તે જ્યાં રહે છે ત્યાં ઍક મહિલા આવતી હતી અને આખો દિવસ તેની પાસે બેસી રહેતી હોય તેનું નામ પુછતા રેખા જણાવ્યું હતું. રેખા શારદાબેનના બાળકોને રમાડતી હતી અને નજીકમાં ચાની લારીઍ ચા પીવડાવવા પણ લઇ જઈ પરત લઇ આવતી હતી.તેથી શારદાબેનને તેની ઉપર વિશ્વાસ હતો.તે દરમિયાન તા.૨૧મી જાન્યુઆરી શનિવારે સવારે આઠ વાગ્યે રેખા શારદાબેન પાસે આવી હતી અને રોજની જેમ પાસે બેસી તેમની સૌથી નાની દોઢ વર્ષની દીકરી ઈમલીને રમાડવા માંડી હતી.શારદાબેન રેખાને દીકરીનું ધ્યાન રાખવા કહી બાથરૂમ જઈ પરત ફર્યા ત્યારે રેખા ઈમલીને લઈને ખાઉધરા ગલી તરફ જતી હતી.રેખા તેને ચા-નાસ્તો કરવા લઈ ગઈ હશે તેમ માની શારદાબેન તેની પાછળ ગયા ન હોતા અને પોતાના દાતણ વેચવાના કામમાં લાગી ગયા હતા.જોકે, રેખા ઘણા સમય બાદ પણ પરત નહીં ફરતા શારદાબેને ખાઉધરા ગલી અને આજુબાજુના વિસ્તારમાં રેખા અને ઈમલીની શીધખોળ કરી હતી પણ તેઓ નહીં મળતા ઘરના અન્ય સભ્યોને જાણ કરી શોધખોળ કર્યા બાદ રેખા ઉપર વિશ્વાસને લીધે મહિધરપુરા પોલીસમાં ફક્ત જાણ કરી હતી અને કોઇ ફરીયાદ આપી નહોતી.
પરંતુ રવિવારે પણ આખો દિવસ રાહ જોવા છતાં રેખા પરત નહીં ફરતા અને તેમની શોધખોળ કરવા છતાં ભાળ નહીં મળતા છેવટે શારદાબેને રેખા વિરુદ્ધ મહિધરપુરા પોલીસ મથકમાં અપહરણની ફરિયાદ નોંધાવી હતી.પોલીસે સ્થળ પરના સીસીટીવી ફૂટેજ મેળવી તેના આધારે રેખાની શોધખોળ હાથ ધરી છે.