લીંબાયતમાં બે સંતાનની માતાઍ પતિ હેરાન પરેશાન કરે છે તેવું હથેળી અને હાથમાં લખાણ લખી પોતાના ઘરમાં જ છતના હુક સાથે દુપટ્ટો બાંધી ગત મંગળવારે ફાંસો ખાઈ લીધો હતો.રીક્ષા ચાલક પતિ દહેજની માંગણી કરી તેમજ શંકા-વહેમ રાખી અવારનવાર ગાળાગાળી અને મારઝુડ પણ કરતો હોય પરિણીતાઍ આત્મહત્યા કરતા લીંબાયત પોલીસે આત્મહત્યાની દુષ્પ્રેરણાનો ગુનો નોંધી પતિની ધરપકડ કરી હતી.
મૂળ ઝારખંડના વતની અને સુરતમાં લીંબાયત ચોર્યાસી ડેરી પાસે ગીતાનગરમાં રહેતો ૩૭ વર્ષીય પ્રવીણ છોટીનાથ ગોસ્વામી રીક્ષા ચલાવી પરિવારનું ગુજરાન ચલાવે છે. તા. ૨૪મી જાન્યુઆરી મંગળવારે રાત્રે સાડા આઠ વાગ્યાના અરસામાં પ્રવીણ ઘરે પહોચ્યો હતો ત્યારે તેની ૨૭ વર્ષીય પત્ની સીતાઍ પોતાના રૂમમાં છતના હુક સાથે દુપટ્ટો બાંધી ફાંસો ખાધેલી હાલતમાં મળી હતી. આ અંગે ૧૦૮ ને જાણ કરતા તે દોડી આવી હતી. પરંતુ સ્ટાફે તેને મૃત જાહેર કરી હતી. બનાવની જાણ થતા લીંબાયત પોલીસ પણ સ્થળ પર દોડી આવી હતી અને તપાસ હાથ ધરી હતી.પોલીસને સીતાનાડાબા હાથની હથેળી અને હાથમાં હિન્દી ભાષામાં પતિ હેરાન પરેશાન કરે છે તેવું લખાણ લખેલું મળ્યું હતું.પીઆઇ ઍચબી ઝાલાઍ જણાવ્યું હતું કે જાણ થતાં પોલીસની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. મહિલાઍ હાથ ઉપર તેના પતિ વિરુદ્ધ સુસાઇડ નોટ લખી છે. આ બાબતે પોલીસે ઍફઍસઍલની ટીમ અને પંચનામાની ટીમ સાથે વીડિયોગ્રાફી કરી છે. આ વીડિયોગ્રાફી અને ફોટોને પુરાવા તરીકે કોર્ટમાં રજૂ કરવામાં આવશે. મહિલાઍ જાતે જ તેના હાથ પર તેના પતિ સામે સુસાઇડ નોટ લખી આપઘાત કર્યો છે. ત્યારે આ ગુનામાં પોલીસ દ્વારા આઇપીસી કલમ ૩૦૬ મુજબ ગુનો નોંધી આરોપી પતિ પ્રવીણની ધરપકડ કરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ૨૦૧૪માં સીતાના લગ્ન પ્રવિણ સાથે થયા હતા. પરંતુ પ્રવિણ દહેજની માંગણી કરી તેમજ શંકા-વહેમ રાખી અવારનવાર ગાળાગાળી અને મારઝુડ પણ કરતો હતો. આથી કંટાળીને તેણે આ પગલું ભર્યું હતું.