વેડ રોડ કુબેરનગર પાસે આવેલી ઍક જ્વલર્સના માલિકોઍ જૂના દાગીના બદલે નવા દાગીના બનાવી આપવાની લોભામણી સ્કીમો થકી લાખો રૂપિયાનું ઉઠમણું કર્યાની ફરિયાદ પોલીસ સ્ટેશનમાં નોધાઈ છે. આ સ્કીમમાં હાલ દસથી વધુ વ્યક્તિઓ ફસાયા હોવાનું સામે આવ્યું છે.
કતારગામ વાળીનાથ ચોક સ્થિત વિહાર સોસાયટીમાં રહેતા અને નિવૃત્ત જીવન ગુજારતા ૬૫ વર્ષીય જીવરાજભાઈ પ્રેમજીભાઈ પારઘીઍ તારીખ ૧૨-૪-૨૦૨૨ના રોજ વેડ રોડ કુબેર નગર પાસે દરબાર નગર સોસાયટીમાં આવેલી ન્યુ ગૌતમ જ્વેલર્સ નામની સોના ચાંદીની દુકાનમાં ગયા હતા અને પોતાના જૂના દાગીનાના બદલે નવા દાગીના બનાવવા માટે દુકાનના સંચાલક મહેશ બાબુ સોની, વિમલ બાબુ સોની અને સુમિત્રા બાબુ સોનીને મળ્યા હતા. આ ત્રણેય જણાઍ ઍકબીજાના મદદગારીથી ૧.૨૫ લાખથી વધુના સોનાના દાગીના લઈ ઍક મહિના પછી નવા દાગીના મળી જશે તેમ કહી જીવરાજભાઈને ઘરે મોકલી આપ્યા હતા. અને ઍક મહિના બાદ જીવરાજભાઈ પોતાના દાગીના લેવા ગયા ત્યારે વિમલ સોનીઍ કારીગર નથી, મહિના પછી આવજા તેવું જણાવ્યું હતું. ત્યારબાદ જીવરાજભાઈ ૧ મહિના પછી દુકાને ગયા હતા. ત્યારે વિમલે હું બીમાર પડી ગયો હતો જેથી તમારા કામ ઉપર ધ્યાન અપાયું નથી તેમ કહી મહિના પછી આવજા આમ અવારનવાર ખોટા વાયદાઓ કરી સમય પસાર કર્યા કરતા હતા અને ત્યારબાદ અચાનક જ ત્રણેય જણા દુકાન વેચીને ભાગી છુટયા હતા. જીવરાજભાઈને જાણ થતાં તેઓ દુકાને દોડી આવ્યા હતા અને તપાસ કરતા જયેશ વાલજી બારૈયા, ઇશ્વર અશોક કસ્તુરી, રવિ ઇશ્વર જામળીયાં સહિત ૧૦થીવધુ લોકો સાથે પણ આ રીતે છેતરપિંડી કરવામાં આવી છે. જેથી જીવરાજભાઈઍ ચોક બજાર પોલીસમાં ગુનો નોધાવ્યા હતા. પોલીસે ગુનો નોધી તપાસ હાથ ધરી છે.