ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા જુનિયર ક્લાર્કની લેખિત પરીક્ષા ગીર સોમનાથ સિવાયના તમામ જીલ્લાઓમાં રવિવારે સવારે ૧૧.૦૦ કલાકથી બપોરના ૧૨.૦૦ કલાક સુધી યોજાનાર છે. આ પરિક્ષામાં કોઈ અનઈચ્છિનિય બનાવ ન બને તેમજ કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે સરકાર ઍલર્ટ થઈ ગઈ છે. આવતીકાલે ગીર સોમનાથ સિવાયના તમામ જીલ્લાઓમાં ૨૯૦૦થી વધુ કેન્દ્રો પર આ પરીક્ષા યોજાશે. આ માટે રાજ્યભરમાંથી ૯ લાખથી વધુ ઉમેદવારોઍ ઓનલાઇન અરજી કરી છે. તમામ પરીક્ષા કેન્દ્ર ખાતે સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે.
ગુજરાતમાં રવિવારે લેવાનાર પરીક્ષા માટે દરેક જિલ્લાના હેલ્પલાઈન નંબર પંચાયત મંડળની વેબસાઈટ પર રાખવામાં આવ્યા છે. આ ઉપરાંત દરેક જિલ્લાઓ ખાતે કુલ ૪૨ જેટલા સ્ટ્રોંગરૂમ રાખવામાં આવ્યા છે. આ પરીક્ષા માટે સમગ્ર રાજયના તમામ જિલ્લાઓ પર પરીક્ષાનું સંચાલન કરવા માટે ૭૫૦૦ જેટલા પોલીસ કર્મીઓ સહિત આશરે ૭૦,૦૦૦ જેટલો સ્ટાફ કાર્યરત રહેશે. રાજ્યના જુદા જુદા જિલ્લાઓના કુલ ૨૯૯૫ પરીક્ષા કેન્દ્રો તથા ૩૧,૭૯૪ વર્ગખંડોમાં આ પરીક્ષા યોજાનાર છે. આ ઉપરાંત મંડળની વેબસાઈટ પર કોઈપણ જાતની લાંચ કે લાલચ તેમજ છેતરપિંડી અંગેની જાહેર સુચના પણ આપવામાં આવી છે. આ પરિક્ષાના કેન્દ્રોની અંદર તેમજ તેની આસપાસ ૨૦૦ મીટરની ઍરિયામાં કોઇપણ વ્યકિત પરીક્ષા દરમિયાન મોબાઇલ ફોન, કોર્ડલેસ ફોન, કેલ્યુલેટર, સ્માર્ટ વોચ-ટેબલેટ-સ્માર્ટ પેન કે અન્ય કોઇપણ પ્રકારના ઇલેક્ટ્રોનિક ગેજેટ્સના ઉપયોગ પર પ્રતિબંધ છે. આ પરીક્ષાના સમય દરમિયાન કોઈપણ અનઅધિકૃત લેખન સામગ્રી સાથે લઈ જઈ શકશે નહિ કે સાથે રાખી પરીક્ષાના કેન્દ્રોના વિસ્તારમાં ચાર કે તેથી વધુ માણસોઍ ઍકત્ર થવા અથવા ભેગા થઈ શક્શે નહી. આ અગાઉ પરિક્ષાના પેપરો ફૂટ્યા હોવાથી સરકાર દ્વારા આ નિર્ણયો લેવામાં આવ્યા છે.