વરાછા મીની બજારમાં હીરાના વેપાર કરતા ઍક વેપારી સાથે હીરા દલાલે રૂપિયા ૭.૯૦ કરોડની છેતરપિંડી કરી હોવાની ફરિયાદ પોલીસ સ્ટેશનમાં નોધાઈ છે.
અમરેલી સાંવરકુંડલા તાલુકાના અભ્રામપરા ગામના વતની અને હાલ વરાછા ઍ.કે. રોડ વિષ્ણુ નગર સોસાયટીમાં રહેતા ધીરૂભાઈ મોહનભાઈ ધડુક વરાછા મીની બજાર ખાતે પ્રિન્સેસ પ્લાઝામાં શ્રીરામ ઍન્ટરપ્રાઇઝ નામની હીરાની ઓફિસ ધરાવે છે. છેલ્લા છ વર્ષથી કતારગામ કાંતેશ્વર મહાદેવ મંદિરની પાછળ શક્તિનગર સોસયાટીમાં રહેતો મહાવીર ઇશ્વરદાસ અગ્રાવત નામનો યુવક હીરાદલાલીનો ધંધો ધીરૂભાઈ સાથે કરતો હતો. અને અવારનવાર હીરા લઇ જઈ સમયસર પૈસા ચુકવી મહાવીરે ધીરૂભાઈનો વિશ્વાસ કેળવ્યો હતો. તા. ૨૫-૧-૨૦૨૩ના રોજ મહાવીરે ધીરૂભાઈ પાસેથી રૂપિયા ૭.૯૦ કરોડથી વધુની મતાના હીરા બજારમાં વેચવા માટે લીધા હતા. બજારમાં તેની સારી કિંમત આવશે તેવી લોભાવણી વાતો કરીને મહાવીર હીરા લઇને ત્યાંથી નીકળી ગયો હતો. પરંતુ વાયદા પ્રમાણે પૈસા નહીં આવતા ધીરૂભાઈઍ મહાવીરનો મોબાઇલ પર સંપર્ક કર્યો હતો પરંતુ તેનો મોબાઇલ ફોન બંધ આવ્યો હતો. જેથી ધીરૂભાઈ માર્કેટમાં તપાસ કરતા મહાવીર અન્ય વેપારીના હીરા પણ લઇને રફુચક્કર થઈ ગયો હોવાનું સામે આવ્યું હતું. આ બનાવ સંદર્ભે ધીરૂભાઈઍ વરાછા પોલીસ મથકમાં ફરિયાદ નોધાવી હતી. પોલીસે ગુનો નોધી તપાસ હાથ ધરી છે.