
ડુમસ પોલીસ મથકની હદમાં નવા સાત ફળિયામાં ચાલતા દારૂના અડ્ડા ઉપર મદદનીશ પોલીસ કચેરી રીડર શાખા દ્વારા રેડ કરવામાં આવતા સ્થાનિક પોલીસ દોડતી થઈ હતી. પોલીસે દારૂના જથ્થા સાથે ઍક મહિલા બુટલેગરને ઝડપી પાડી હતી જ્યારે અન્ય ઍક મહિલા બુટલેગરને વાન્ટેડ જાહેર કરી રૂપિયા ૮૯૮૩૦ની મતા કબજે કરી હતી.
મદદનીશ પોલીસ કમિશનર કચેરી રીડર શાખાને બાતમી મળી હતી કે ડુમસ ગામ મોટી બજાર સ્થિત નવા સાથ ફળિયામાં આવેલા ઍક મકાનમાં દારૂનો જથ્થો સંતાડીને મહિલા બુટલેગરો દારૂનો વેચાણ કરી રહી છે. આ હકીકતના આધારે પોલીસે છાપો માર્યો હતો. પોલીસે દારૂના જથ્થા સાથે શર્મિલા કમલેશ ખલાસી નામની વિધવા મહિલાને ઝડપી પાડી હતી અને પોલીસે મકાનમાંથી રૂપિયા ૪૭ હજારનો દારૂ અને રોકડા મળી કુલ રૂપિયા ૮૯૮૬૦ની મતા કબજે કરી હતી. પોલીસે પૂછપરછ કરતા ડુમસ ગામમાં રહેતી ચંદાબેન સુધીર ખલાસી નામની મહિલા બુટલેગર સાથે મળીને દારૂનો વેચાણ કરતી હોવાની કબૂલાત કરી હતી. હાલ મદદનીશ પોલીસ કમિશનર કચેરી રીડર શાખા દ્વારા આગળની તપાસ ડુમસ પોલીસને સોપી છે.