
અમરોલી વૃંદાવન સોસાયટીના હરીદર્શન ઍપાર્ટમેન્ટમાં મુકબધીર પુત્રઍ પોતાના સગા બાપની હત્યા કરતા ચકચાર મચી જવા પામી છે. પોલીસે હત્યારા પુત્રની ધરપકડ કરી છે.
ઓડિસા ગંજામ જિલ્લાના વતની અને હાલ અમરોલી છાપરાભાટા રોડ વૃંદાવન સોસાયટીના હરિદર્શન ઍપાર્ટમેન્ટમાં રહેતા શ્રીકાંતભાઈ ગણેશભાઈ સવાઈ નોકરી કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. તા. ૨૮મી જાન્યુઆરીના રોજ રાત્રિના સમયે ઘરની લાઇટ બંધ કરવા મુદ્દે પિતા ગણેશભાઈ અને તેના મોટા ભાઈ શંકર સેન વચ્ચે માથાકૂટ થઈ હતી. જોતજોતામાં પિતાઍ પુત્ર શંકર ઉપર ચાકુવડે હુમલો કરી ઇજા પહોચાડી હતી. જેથી ઇજાગ્રસ્ત પુત્રઍ ઉશ્કેરાઈ જઈ ઘરમાંથી મસાલા પીસવાના પથ્થર લઇ પિતા ઉપર પ્રહાર કર્યો હતો. અને માથામાં ગંભીર ઇજા પહોચતા પિતાનું મોત નીપજ્યું હતું. આ બનાવ સંદર્ભે અમરોલી પોલીસને જાણ થતાં પોલીસ દોડી આવી હતી. પોલીસે હત્યા શંકરની ધરપકડ કરી હતી. ત્યારબાદ શ્રીકાંત સવાઈના ફરિયાદના આધારે ગુનો નોધી તપાસ હાથ ધરી છે.