સલાબતપુરા આંજણા ફાર્મમાં આવેલા જય ઇન્ડસ્ટ્રીયલ સોસાયટીમાં કાપડના દુકાન ધરાવતા ઍક વેપારી સાથે રૂપિયા ૧૭.૭૯ લાખની છેતરપિંડીની ફરિયાદ પોલીસ મથકમાં નોધાઈ છે.
ગોડાદરા સફાઇઍટ સોસાયટીમાં રહેતા ચેનસુખ મેઘરાજ ડાઘા આંજણા ફાર્મ જય ઇન્ડસ્ટ્રીયલ સોસાયટીમાં આવેલી પ્રણામી સિલ્ક મીલ્સ નામની દુકાનમાં નોકરી કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. ઍક વર્ષ પહેલા અમદાવાદ કાંકરિયા રોડ સુમેલ બીઝનેસ પાર્કમાં મનીષ ઍજન્સી નામથી કાપડ દલાલી કરતા મનીષ બી. જેઠવાની ચેનસુખભાઈનો સંપર્ક કર્યો હતો અને અમદાવાદમાં પોતાની પાસે મોટી પાર્ટીઓ હોવાનું કહી સમયસર પૈસા ચુકવી દેવાની બાંયધરી કાપડ દલાલે લીધી હતી. ત્યારબાદ ચેનસુખે કાપડ દલાલ મનીષ ભાઈના કહેવાથી અમદાવાદ કર્ણાવતી પ્લેટીનીયમ ઍમ.ઍમ. ગારમેન્ટના પ્રોપાઇટર રીન્કુ પ્રકાશ જેઠવાણી, અમદાવાદ રાજસ્થાન સોસાયટીમાં સિદ્ધી ટ્રેડર્સ નામથી ધંધો કરતા રાજુ, અમદાવાદ હીરા માર્કેટમાં કે. દેવરાજ ઍન્ટરપ્રાઇઝના નામથી ધંધો કરતા કમલેશ રાધેશ્યામ ભારતી, અમદાવાદ રૂદ્રા કોમ્પ્લેક્સમાં ડી.વી. ઇન્ટરનેશનલ નામથી કાપડનો ધંધો કરતા દીપક અશોક રાઠોડ અને અમદાવાદ આસોપાલવ ઍપાર્ટમેન્ટમાં સોના ઍન્ટરપ્રાઇઝના નામથી ધંધો કરતા કિશન ફતનદાસ ગીધવાની નામના વેપારીઓને તારીખ ૧૦-૬-૨૦૨૨થી ૮-૧૦-૨૦૨૨ દરમિયાન રૂપિયા ૧૮.૪૫ લાખથી વધુ કાપડનો માલ ઉધાર આપ્યો હતો. તે બદલામાં રૂપિયા ૬૬૫૫૦ ચુકવી આપ્યા હતા અને બાકીનું પેમેન્ટ ૧૭.૭૯ લાખ ચુકવવા માટે વાયદાઓ કર્યા હતા. જેને લઇને ચેનસુખે ઉઘરાણી કરતા આ તમામ લોકો ઉશ્કેરાઈ જઈ હવે પછી ઉઘરાણી કરશો તો જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી અને આજસુધી પૈસા ચુકવ્યા નહતા. આ બનાવ સંદર્ભે ચેનસુખે સલાબતપુરા પોલીસ મથકમાં ફરિયાદ નોધાવી હતી. પોલીસે ગુનો નોધી તપાસ હાથ ધરી છે.