સુરત શહેરના મોરા ભાગળ વિસ્તારમાં વર્ષોથી મચ્છી માર્કેટમાં લોકો પોતાની રોજીરોટી રળી ખાય છે. પરંતુ ધીમે ધીમે આ વિસ્તારનો વિકાસ થતાં ટ્રાફિકની સમસ્યા જટીલ બની હતી. રોડ ઉપર મચ્છી માર્કેટ અને શાક માર્કેટના કારણે આખો દિવસ ટ્રાફિક જામથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા. છેવટે રાંદેર ઝોન દ્વારા પોલીસ બંદોબસ્ત સાથે કોઈપણ નોટિસ વગર શનિવારે બુલડોઝર લઇને મોરા ભાગળ માર્કેટમાં પહોચી ગયા હતા અને ત્યાંથી માર્કેટનો ડિમોલીશન કરી મચ્છી અને શાકભાજીનો વેપાર કરતા લોકોના માલસામાન ઉચકીને લઇ જતાં તેઓમાં રોષ ફાટી નીકળ્યો હતો.
મોરા ભાગળ વિસ્તારમાં વર્ષોથી મચ્છી અને શાકભાજી માર્કેટ ભરાય છે. આજુબાજુના લોકો આ માર્કેટમાં મોટી સંખ્યામાં ખરીદી કરવા માટે આવે છે. આ માર્કેટ ખૂબ જ જૂનુ હોવાથી આજુબાજુના ગામના લોકો પણ શાકભાજી વેચવા માટે આવે છે. પરંતુ છેલ્લા કેટલાય સમયથી મચ્છી અને શાકભાજી વેચતા વેપારીઓ રોડ ઉપર ધંધો કરતા હોવાને કારણે ટ્રાફિક સમસ્યા જટીલ બની છે. આ માર્કેટને કાયમી ધોરણે દૂર કરવા માટે અનેક વાર રજૂઆતો કરવામાં આવીહતી. પરંતુ સ્થાનિક આગેવાનો દ્વારા છ વર્ષ પહેલા પૂર્વ કમિશનર થન્નારેસનને કાયમી ધોરણે મચ્છી અને શાકભાજી માર્કેટ બનાવવા માટે રજૂઆત કરવામાં આવી હતી. ત્યારે થન્નારેસને સ્થળ વિઝિટ કરી માર્કેટ બનાવવાની મંજૂરી આપી હતી. પરંતુ સરકાર માંથી ગ્રાન્ટ ન આવતા માર્કેટ બનાવવાની કામગીરી અધ્ધરતાલ થઈ ગઈ હતી. તે દરમિયાન શનિવારે રાંદેર ઝોન દ્વારા પોલીસ બંદોબસ્ત અને સિક્યુરિટી ગાર્ડ સાથે બુલડોઝર લઇને ડિમોલીશન કરવા પહોચી ગઈ હતી અને ત્યારબાદ રાંદોર ઝોન દ્વારા સમગ્ર માર્કેટનું ડિમોલીશન કરી માછલીઓ, તેમનો સામાન સહિતની ચીજવસ્તુઓ કબજે લીધી હતી. જેથી વેપારીઓમાં રોષ જાવા મળી રહ્ના છે.