પીપલોદ ખાતે આવેલા જૂના બીગ બજાર અને હાલના સ્માર્ટ બજાર મોલમાં વહેલી સવારે આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. મોલની અંદરથી ધુમાડા બહાર નીકળતાં તાત્કાલ ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી. લાશ્કરો ઘટનાસ્થળે પહોચી પાણીનો મારો ચલાવી આગ કાબુમાં લીધી હતી. જાકે, આ આગને કારણે કોઇને ઇજા કે જાનહાનિ થઈ નહતી. પરંતુ પહેલા અને બીજા માળે ડિટરઝન્ટ પાવડર, શેમ્પુ, લિક્વીડ, ગ્રોઝરી, ઍસી, વાયરીંગ વગેરે બળીને ખાખ થઈ ગયા હતા. જ્યારે મોલના સ્ટ્રક્ચરને પણ નુકસાન થયું છે.
પીપલોદ ખાતે આવેલા રિલાયન્સના સ્માર્ટ બજાર મોલમાં વહેલી ૭ વાગ્યાના અરસામાં સવારે શોર્ટસર્કિટના કારણે આગ ફાટી નીકળ્યા હોવાની ઘટના સામે આવતા ભાગદોડ મચી ગઈ હતી. આ આગ વધુ ન પ્રસરે તે પહેલા ફાયર બ્રિગેડને જાણ કરતા લાશ્કરો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. ફાયર બ્રિગેડે પહેલા અને બીજા માળે આગ લાગેલી જાઈ તેને કંટ્રોલ કરવા માટે તેની સામેની બાજુથી કાચ તોડીને અંદર ફાયર ફાઈટિંગ કરવાની ફરજ પડી હતી. ફાયર વિભાગે બીજા માળે પાણીનો મારો ચલાવીને આગ ઉપર કાબુ મેળવ્યો હતો. હાઇડ્રોલિક લિફ્ટનો ઉપયોગ કરીને આગ ઉપર કાબુ મેળવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. ફાયર ઓફિસર રણજીતસિંહ ખડીયાઍ જણાવ્યું કે, ફાયર વિભાગને કોલ મળતાની સાથે જ સ્માર્ટ બજાર મોલમાં આવીને આગ ઉપર કાબુ મેળવવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. ગ્રાઉન્ડ પ્લસ ત્રણ માળનો આ મોલમાં પહેલા અને બીજા માટે આગ લાગી હતી. આગ બીજા માળે લાગી હોવાનું જાણવા મળ્યું હતું. ત્યારબાદ પહેલા માળ સુધી આગ પ્રસરી ગઈ હતી. પહેલા અને બીજા માળે સામાન હતો તે બળીને ખાક થઈ ગયો છે. વેસુ, અડાજણ, મજુરાની ફાયર વિભાગની ગાડીઓ ઘટના સ્થળ ઉપર પહોંચીને આગ ઉપર કાબુ મેળવવાની કામગીરીમાં જોડાઈ હતી.