સુરત મહાનગરપાલિકાના કતારગામ ઝોન વિસ્તારમાં પાણીની લાઈનની કામગીરી બે દિવસ ચાલવાની હોવાથી આવતીકાલ બુધવાર અને ગુરુવારે કોસાડના અનેક વિસ્તારમાં પાણી પુરવઠો ખોટકાશે. આ દિવસ દરમિયાન જે વિસ્તારમાં પાણી પુરવઠા નો વિક્ષેપ પડશે તે વિસ્તારના લોકોને કરકસરપૂર્વક પાણીનો ઉપયોગ કરવા તથા જરૂરિયાત પૂરતા પાણીનો સંગ્રહ કરવા માટે પાલિકા તંત્રઍ અપીલ કરી છે.
સુરત શહેરના બાદ નવા વિસ્તારમાં પ્રાથમિક સુવિધા માટે ની કામગીરી હાથ ધરવામાં આવી છે કતારગામ ઝોનમાં સમાવિષ્ટ નવા વિસ્તારમાં પાણી પુરવઠાની સુવિધા માટે હાઇડ્રોલિક વિભાગ કામગીરી કરી રહી છે. આ કામગીરીના પગલે ૮ અને ૯ ફેબ્રુઆરીના રોજ કોસાડ વિસ્તારમાં કોસાડ જળ વિતરણ મથકથી ઇઍસઆર કે-૧-૨ ભરવા માટેની ૬૦૦ મી.મી. વ્યાસની રાઈઝીંગ લાઈન પર વાલ્વ મુકવાની કામગીરી કરવામાં આવશે. ઉપરાંત કોસાડ જળ વિતરણ મથક ખાતેની ૫૦૦ મી.મી. વ્યાસની બાયપાસ લાઈન પર લીકેજ રીપેરીંગની કામગીરી પણ હાથ ધરવામાં આવશે.
૮, ફેબ્રુઆરીના રોજ ૨૪ બાય ૭ યોજના હેઠળની ટાંકીઓના નેટવર્ક હેઠળ આવતા અમરોલી સાયણ મેઈન રોડની આસપાસનો વિસ્તાર, સૃષ્ટિ સોસાયટી વિ-૧, ૨ અને ૩ ની આસપાસની સોસાયટી વિસ્તાર માં પાણી પુરવઠો અવરોધાશે. આ ઉપરાંત કોસાડ ગામતળ તથા આસપાસનો વિસ્તાર તથા કોસાડ રજવાડી પ્લોટની આસ-પાસનો વિસ્તાર જેવા કે, જુનો કોસાડ રોડ, નવો કોસાડ રોડ, ક્રોસ રોડ, સત્તાધાર ચોકડીનો વિસ્તાર તેમજ કોસાડનો તમામ ટી.પી. વિગેરે વિસ્તારમાં ૮ અને ૯ ફેબ્રુઆરીના રોજ પાણી પુરવઠો મળશે નહીં અથવા ઓછા દબાણથી મળશે. ૧૦ મી ફેબ્રુઆરીથી સમગ્ર વિસ્તારમાં પાણી પુરવઠો રાબેતા મુજબ આપવામાં આવશે. બે દિવસ જે વિસ્તારમાં પાણી પુરવઠો અવરોધશે તે વિસ્તારના લોકોને પાણીનો કરકસર પૂર્વક ઉપયોગ કરવા માટે પાલિકા તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે.