
પાલ વિસ્તારમાં અંકલેશ્વરથી લગ્ન પ્રસંગમાં આવેલા કાર ચાલકે લગ્ન સ્થળની બહારની બાજુઍ ગાડી પાર્ક કરી હતી. કારમાં ઍક સાઇરન વાગવાનું શરૂ થતા સાયરન બંધ કરવાના સમયે જ ધડાકાભેર આગ લાગી હતી. ફાયર વિભાગે આગ ઉપર કાબુ મેળવ્યો હતો. આગને કારણે કાર બળીને ખાખ થઈ ગઈ હતી.
પાલ વિસ્તારના સોમેશ્વર ફાર્મ ખાતે લગ્ન પ્રસંગનો મંગળવારે રાતે આયોજન કરવામાં આવ્યું હતું. અંકલેશ્વરથી પોતાના સંબંધીના ત્યાં મેરેજ હોવાને કારણે પરિવાર સોમેશ્વર ફાર્મ ખાતે આવ્યું હતું. કોઈ કારણસર ફાર્મની બહાર ગાડીમાં સાયરનનો અવાજ આવવાનો શરૂ થઈ ગયો હતો. કારચાલકને પોતાની કારમાંથી અવાજ આવતો હોવાનું સાંભળતા કાર પાસે પહોંચ્યા હતા અને તે દરમિયાન જ કારમાં ધડાકો થતા આખે આખી કાર આગની ઝપેટમાં આવી ગઈ હતી.
ગુંજનભાઈ ગાંધીઍ જણાવ્યું કે હું મારા પરિવાર સાથે અંકલેશ્વરથી સુરત ખાતે લગ્ન પ્રસંગમાં આવ્યો હતો. હું અને મારી બે દીકરીઓ ઍમ કુલ ચાર વ્યક્તિઓ લગ્ન પ્રસંગમાં હાજરી આપવા આવ્યા હતા. રાતે ૧૧ : ૦૦ વાગ્યા બાદ અમે અંકલેશ્વર પરત ફરવા માટે નીકળી જ રહ્ના હતા અને તે દરમિયાન જ ઍકાઍક ગાડીનું સાયરન વાગવાનું શરૂ થયું હતું. શરૂઆતમાં સાયરનને રિમોટથી બંધ કરવાનો પ્રયાસ કર્યો પરંતુ બંધ થયું ન હતું. ત્યારબાદ મેન્યુઅલી ગાડી ખોલીને બંધ કરવાનો પ્રયાસ કરતો હતો અને ઍકાઍક અંદરથી ધડાકાભેર અવાજ આવતા હું ડરીને પાછળ ખસી ગયો અને આગ શરૂ થઈ ગઈ હતી. ફાયર વિભાગ આવે તે પહેલા આખે આખી ગાડી બળીને ખાક થઈ ગઈ હતી.