
ઇચ્છાપોર ભાઠા-પાલ રોડ ભૂલકા વિહાર સ્કુલ પાસેના રોડ પરથી પીસીબીઍ દારૂ ભરેલા ટેમ્પા સાથે બે ખેપિયાને ઝડપી પાડ્યા હતા. પોલીસે દારૂનો જથ્થો, ટેમ્પો વગેરે મળી કુલ રૂપિયા ૯ લાખથી વધુની મતા કબજે કરી ત્રણ બુટલેગરોને વોન્ટેડ જાહેર કર્યા છે.
પીસીબીને બાતમી મળી હતી કે ભાટા પાલ રોડ ભૂલકા વિહારની સામે લક્ષ્મીવાડી પાસે જીજે-૧૫-ઍવી-૬૬૪૪ નંબરના ટેમ્પામાં સેલવાસથી દારૂનો જથ્થો લઇને બે ખેપિયા આવી રહ્ના છે. આ હકીકતના આધારે પીસીબીઍ વોચ ગોઠવી ટેમ્પો આવતા તેને આંતરી લીધો હતો. પોલીસે ટેમ્પામાં બેસેલા બેની પુછપરછ કરતા વાપી આઝાદ ચાલ, ડુંગરી ફળિયામાં રહેતો સંદીપ પુન્નુલાલ કનોજીયા અને સગરામ પુરા રાબિયા ઍપાર્ટમેન્ટમાં રહેતો સઇદ ઉર્ફે બાબા ઉર્ફે બાબા પ્રાયમસ અબ્દુલ હકીમ શેખ હોવાનું જણાવ્યું હતું. પોલીસે ટેમ્પાની તલાશી લેતા પ્લાસ્ટિકના ડ્રમની આડમાં દારૂનો જથ્થો સંતાડીને લાવવામાં આવ્યો હતો. પોલીસે નવ ડ્રમમાંથી રૂપિયા ૧.૯૧ લાખની ૧૦૭૨ નંગ દારૂની બોટલ બહાર કાઢી હતી. પોલીસે આ અંગે પૂછપરછ કરતા સેલવાસનો બુટલેગર હાર્દિકે દારૂનો જથ્થો ભરી આપ્યો હતો. સુરત શહેરના વેસૂ ખાતે રહેતા મનીષ કાલિયો અને નિલેશ નામના બુટલેગરને દારૂનો જથ્થાની ડિલીવરી કરવાની હતી. આ હકીકતના આધારે ત્રણ જણને વોન્ટેડ જાહેર કરી દારૂનો જથ્થો, ટેમ્પો, મોબાઇલ, ડ્રમ વગેરે મળી કુલ રૂપિયા ૯.૦૨ લાખની મતા કબજે કરી આગળની તપાસ પાલ પોલીસને સોપી છે.