
સુરત શહેર ઔદ્યોગિક શહેર છે અને તેના માટે રાજ્યભરથી અલગ અલગ જિલ્લાના લોકો અહીં રોજીરોટી મેળવવા માટે હંગામી ધોરણે આવે છે અથવા તો ઘણા લોકો અહીં વસવાટ પણ કરે છે. વાર તહેવારે સુરતથી પોતાના માદરે વતન ખૂબ મોટી સંખ્યામાં લોકો જતા હોય છે. જેને ધ્યાનમાં રાખીને સુરત ઍસટી ડેપો દ્વારા અલાયદી વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે.
સુરત શહેરમાં અલગ અલગ કામકાજ અર્થે દાહોદ, ગોધરા, છોટાઉદેપુર, ઝાલોદ જિલ્લાના ખૂબ મોટી સંખ્યામાં લોકો અહીં વસવાટ કરે છે. અલગ અલગ વ્યવસાય સાથે આ જિલ્લાના લોકો ખૂબ મોટા પ્રમાણમાં જોડાયેલા હોવાથી હોળી ધુળેટીના તહેવાર વખતે તેમના માટે ખાસ વ્યવસ્થા કરવી પડે છે. આગામી તારીખ ૩ થી ૫ માર્ચ સુધી આયોજન કરવામાં આવ્યું છે. સુરત ડેપો ઉપર અલાયદી વ્યવસ્થા ઉભી કરાય છે.સુરત ડેપો ઉપર હોળી ધુળેટીના તહેવારને ધ્યાનમાં રાખીને ઓનલાઈન બુકિંગ માટેની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. દિવાળી વખતે જે રીતે સૌરાષ્ટ્ર તરફ જવા માટે વધારાની ૨૦૦ દોડાવવામાં આવતી હતી તેવી જ રીતે હોળી ધુળેટી વખતે પણ આયોજન કરાયું છે. વધુ સંખ્યામાં મુસાફરો ઍક જ સ્થળ ઉપરથી ઉપડવાના હશે તો બસ જે તે સ્થળ ઉપર મુસાફરોને લેવા માટે જશે.ડિવિઝનલ કંટ્રોલર પી.વી. ગુર્જરે જણાવ્યું કે ગત વખતે દાહોદ, છોટાઉદેપુર, ગોધરા અને ઝાલોદ તરફ બસ દોડાવવામાં આવી હતી. ઍસટી નિગમને રૂપિયા ૫૬ લાખ રૂપિયાની આવક ઊભી થઈ હતી. દરેક ડેપો મેનેજરને જવાબદારી સોંપી દેવામાં આવી છે જેના આધારે મુસાફરોને ઓછામાં ઓછી મુશ્કેલી થાય અને તેઓ સારી રીતે પ્રવાસ કરી શકે અને સાથોસાથ ઍસટી નિગમને પણ આવક ઊભી થાય તેવું ઝીણવટભર્યું આયોજન કરવામાં આવ્યું છે.