
સુરતના પંડોળ વિસ્તારમાં બનેલી ડબલ મર્ડરની ઘટનામાં બાર જેટલા ઈસમો સામે ગુનો નોંધીને ચોક બજાર પોલીસે ૧૦ જેટલા આરોપીઓની ધરપકડ કરી છે. બે આરોપી ફરાર છે તેને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે. પકડાયેલા આરોપીઓઍ હત્યા કરનાર બંને ઇસમોને ધમકી આપી હતી કે આ વિસ્તારમાં રહેવું હોય તો પૈસા આપવા પડશે અને પોલીસને બાતમી શું કામ આપો છો કહી ઝઘડો કર્યો હતો. બાદમાં તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરી ઍકનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું.જ્યા રે બીજાનું સારવાર દરમિયાન મોત થયું હતું.
સુરતના ચોક બજાર પોલીસ મથકની હદના પંડોળ ચોકી વિસ્તારમાં આવેલ અટલજી નગર ખાતે ગત ત્રણ માર્ચના રોજ મળસ્કે ખૂની ખેલ ખેલાયો હતો. જેમાં મજૂરી કામ કરતા કાર્તિક અને રાજુ નામના બે યુવકોની હત્યા કરવામાં આવી હતી. આ ઘટનામાં ૧૦થી ૧૨ અસામાજિક તત્વો દ્વારા તીક્ષ્ણ હથિયાર વડે બંને યુવક પર હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં કાર્તિક નામના યુવકનું ઘટના સ્થળે મોત થયું હતું. જ્યારે રાજુ નામના યુવકનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું હતું. ઘટનાને પગલે ઉચ્ચ પોલીસ અધિકારીની ટીમ પહોંચીને તપાસ હાથ ધરી હતી. ત્યારે આ ઘટનામાં પોલીસે કુલ ૧૦ જેટલા આરોપીઓની ધરપકડ કરી છે. પોલીસે કુલ ૧૨ જેટલા ઇસમો સામે ફરિયાદ નોંધી હતી. ૧ ની ધરપકડ કરી છે જ્યારે બેને પકડવાના બાકી હોવાથી તેમને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે.ચોક બજાર પીઆઇ બી ઍમ ઐસૂરા દ્વારા વધુમાં જણાવવામાં આવ્યું હતું કે હુમલાની આ ઘટનામાં બેના મોત થયા હતા. જ્યારે ત્રીજો ઍક બાલુકેસ ગોપાલભાઈ પરીહારી નામનો યુવક ઇજાગ્રસ્ત થયો હતો અને તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો છે. ત્યારે તેની ફરિયાદને આધારે પોલીસે આઈપીસી ૩૦૨ અને ૩૦૭ મુજબ ૧૨થી ૧૩ ઇસમો સામે ફરિયાદ નોંધી હતી. તમામને ઝડપી પાડવા પોલીસની જુદી જુદી ટીમો બનાવવામાં આવી હતી. ઉપરાંત સુરત ક્રાઈમ બ્રાન્ચની મદદ પણ લેવામાં આવી હતી અને આ ગુનામાં પોલીસને કુલ ૧૦ જેટલા આરોપીઓની ધરપકડ કરવામાં સફળતા મળી છે. જેમાં ચપ્પુ અને તલવારના ઘા મારનાર મુખ્ય આરોપીની પણ પોલીસે ધરપકડ કરી છે. જ્યારે હાલ બે આરોપી પોલીસ પકડથી દૂર છે. તેમને પકડવા પણ ચક્રો ગતિમાન કર્યા છે.