ગોડાદરા પ્રતાપ ચોક પાસે ઋષિનગર સોસાયટીમાં ઘરની બહાર રમી રહેલી ૨ વર્ષીય બાળકીને ઍક થ્રી વ્હિલર ટેમ્પો ચાલકે અડફેટે લેતા કમકમાટી ભર્યું મોત નિપજ્યું હતું. પોલીસે આ અંગે અકસ્માત મોતનો ગુનો નોંધી ટેમ્પા ચાલકની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.
મૂળ બિહારના પટનાના પન્ડારક તાલુકાના પૈઠાનીચકનના વતની અને હાલ ગોડાદરા મહારાણા પ્રતાપ ચોક પાસે ઋષિનગર સોસાયટીમાં રહેતો અખિલેશ ગીતારામ યાદવ ટેક્સ્ટાઇલ માર્કેટમાં ટેમ્પો ચલાવી પત્ની અને બે માસુમ બાળકીઓનું ગુજરાન ચલાવે છે. અખિલેશ યાદવની ૨ વર્ષીય દીકરી અનુષ્કા બપોરના સમયે ઘરની બહા૨ ૨મી રહી હતી. તે દરમ્યાન પાણીની ડિલિવરી માટે નજીકમાં રહેતા થ્રી વ્હિલ ટેમ્પો ચાલકે બાળકીને અડફેટે લીધી હતી. જેને લઇ બે વર્ષીય માસૂમ અનુષ્કાને ગંભીર ઇજા થઇ હતી. જેથી સારવાર માટે તાત્કાલિક સ્મીમેર હોસ્પિટલ ખસેડાઇ હતી. જ્યાં ફરજ પરના તબીબોઍ બાળકીને મૃત જાહેર કરી હતી. હસતી રમતી માસુમ અચાનક જ અકસ્માતનો ભોગ બની મોત નીપજતા પરીવારમાં શોક છવાઈ ગયો હતો.ઘટના અંગે ગોડાદરા પોલીસને જાણ થતા પોલીસે આ અંગે તપાસ શરૂ કરી હતી.જ્યા પોલીસને જાણવા મળ્યું હતું કે પાણીની ડિલિવરી કરતા થ્રી વ્હીલર ટેમ્પો ચાલક દ્વારા ઘર નજીક રમી રહેલી બાળકી અનુષ્કાને પાછળથી ટક્કર મારી હતી. જેને લઇ માસૂમ પટકાઈ હતી અને ટેમ્પાના ચાલકે બાળકીના ગળા ઉપરથી વ્હિલ ફેરવી દીધું હતું. જેને લઇ બાળકીનું મોત નીપજ્યું હતું. ટેમ્પો ચાલકની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.