
ખટોદરા કેનાલ રોડ સ્થિત સોમા કાનજીની વાડીમાં હનુમાન ફેબ્રીક્સ ઍન્ડ કટપીસ ફેકટરી આઉટલેટ નામે લેડીસ ગારમેન્ટની દુકાનમાં હોળીની રાતે ત્રાટકેલા તસ્કરો દરવાજાના તાળા તોડી અંદરથી રોકડા રૂ. ૪.૧૦ લાખની મત્તા ચોરીને ભાગી જતા હોવાની ફરિયાદ પોલીસ મથકમાં નોધાઈ છે.
મગોબ ગામ સી.ઍન.જી સ્ટેશન નજીક રૂદ્રમણી ઍપાર્ટમેન્ટમાં રહેતા ૩૬ વર્ષીય પુરણસીંગ રમેશકુમાર રાજપુરોહીત આઇ.ઍન.ઍસ હોસ્પિટલની બાજુમાં સોમા કાનજીની વાડીમાં હનુમાન ફેબ્રીક્સ ઍન્ડ કટપીસ ફેકટરી આઉટલેટ નામે લેડીસ ગારમેન્ટનો ધંધો કરે છે. ગત ૬ માર્ચે રાતે ૮ વાગ્યે ૧૦ કારીગર અને ઍકાઉન્ટન્ટ સહિતનો સ્ટાફ દુકાન બંધ કરી ઘરે જવા નીકળ્યા હતા અને ત્યાર બાદ હોળી-ધુળેટીનો તહેવાર હોવાથી ૭ અને ૮ માર્ચે દુકાન બંધ હતી. પરંતુ હોળીની રાતે તસ્કરોઍ દુકાનની ઉપરના શેડના પતરા વાંકા વાળી નાંખ્યા હતા ઉપરાંત દુકાનના આગળ-પાછળના દરવાજાના તાળા તોડી અંદર પ્રવેશી સરસામાન વેરવિખેર કરી પુરણસીંગની ઓફિસના ટેબલના ડ્રોઅરમાં મુકેલા ધંધાના રોકડા રૂ. ૪.૧૦ લાખ ચોરી ગયા હતા. ધુળેટીના દિવસે કારીગર બાદલ પ્રજાપતિ દુકાને ગયો ત્યારે દરવાજાના તાળા તુટેલા જોઇ તુરંત જ પુરણસીંગને જાણ કરતા તે દોડી આવ્યા હતા અને ખટોદરા પોલીસમાં ફરીયાદ નોંધાવી હતી. પોલીસે ગુનો નોધી આગળની તપાસ હાથ ધરી છે.