
સુરતમાં મિશ્ર વાતાવરણ સાથે શરદી-ખાંસી અને ઍલર્જીના રોગના દર્દીઓમાં વધારો થવા સાથે બિલ્લી પગે કોવિડ પણ ફરી ઍક વાર પ્રવેશી રહ્ના છે. હાલ બે કેસ આવ્યા હતા. તેમાં ઍક મહિલાનું મોત પણ થયું છે જોકે, આ મહિલા અનેક બીમારીથી પીડાતી હોય તેનું મોત કોવિડમાં ગણતરી કરવામાં આવી નથી. સુરત પાલિકા હાલમાં રોજના ૩૫૦ થી ૪૦૦ જેટલા કોવિડ ટેસ્ટ કરી રહી છે. આજે બે પોઝીટીવ દર્દી આવતાં નજીકના ભવિષ્યમાં આ આંકડો ડબલ ડિજીટ પર આવી જાય તેવી શક્યતા નકારી શકાતી નથી.
સુરતમાં હાલમાં ઋતુમાં બદલાવ આવતા દિવસે આકરી ગરમી અને રાત્રે અને વહેલી સવારે ઠંડી હોવાથી શરદી-ખાંસી અને ફ્લુના દર્દીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્ના છે. આવામાં કોવિડના દર્દી હોવાની શક્યતાના પગલે પાલિકા તંત્ર રોજના ૩૫૦ થી ૪૦૦ જેટલા કોવિડ ટેસ્ટ કરી રહ્નાં છે. અત્યાર સુધીમાં કોવિડના પોઝિટિવ દર્દીઓ આવતા ન હતા પરંતુ હાલમાં ઍક સાથે બે પોઝીટીવ આવ્યા છે. હાલ જે સ્થિતિ છે તે જોતાં આગામી નજીકના ભવિષ્યમાં પોઝિટિવ દર્દીઓની સંખ્યા ડબલ ડિજીટ પર પહોંચી જાય તેવી ભીતિ વ્યક્ત થઈ રહી છે. ગત ડિસેમ્બર માસમાં ચાઈના સહિત અન્ય દેશમાં કોવિડના દર્દી વધતા સુરતમાં વેક્સીન માટે ધસારો થતો હતો પરંતુ સ્ટોક ન હોવાથી પાલિકાઍ સરકાર પાસે કોવિશિલ્ડ વેક્સીન માંગી હતી તેમાં ૨૦ હજાર ડોઝ આવ્યા હતા. લોકોમાં ગભરાટ હોવાથી જાન્યુઆરીના પહેલા પખવાડિયામાં જ ડોઝ પુરા થઈ ગયા હતા. છેલ્લા દોઢથી પોણા બે મહિનાથી સુરત પાલીકા પાસે કોવિશિલ્ડ વેક્સીન નથી અને તે ડોઝ લેવા માટે પણ કોઈ પુછપરછ માટે આવતું ન હોવાથી પાલિકાઍ પણ વેક્સીનની માગણી કરી નથી. પાલિકા પાસે હાલમાં કોવેક્સિન છે પરંતુ તેને પણ લેવા માટે કોઈ આવતું નથી.