
મહિધરપુરાની સિમ્સ હોસ્પિટલમાં ઍક વર્ષથી નોકરી કરતા હોસ્પિટલના ફાર્માસ્યુટીકલ ડિપાર્ટમેન્ટના સ્ટોર મેનેજરે મેડિસીનના સ્ટોકના રોકડા રૂ.૬.૧૧ લાખ અને રૂ.૬.૨૦ લાખનો સ્ટોક વેચી કુલ રૂ.૧૨.૩૧ લાખની ઉચાપત કરતા હોવાની ફરિયાદ પોલીસ મથકમા નોધાય છે.
મહિધરપુરા સ્થિત સિમ્સ હોસ્પિટલમાં વપરાતી તમામ દવાનું મેન્યુફેક્ચરીંગ હોસ્પિટલના પાંચમા માળે આવેલા શેલ્તઝર ફાર્માસ્યુટીકલ ડિપાર્ટમેન્ટમાં કરીને ડોક્ટરની જુદીજુદી હોસ્પિટલની ફાર્મસીની ડિમાન્ડ મુજબ સપ્લાય કરવામાં આવે છે. તેનું પેમેન્ટ ત્રણથી ચાર મહિનામાં ઍકાઉન્ટ ડિપાર્ટમેન્ટને ચુકવવામાં આવે છે. આ તમામ જવાબદારી ફાર્માસ્યુટીકલ ડિપાર્ટમેન્ટના સ્ટોર મેનેજરની હોય છે. તે પોસ્ટ ઉપર ગત ૨૪ જાન્યુઆરી ૨૦૨૨ થી પુણાગામ વિવેકાનંદ સોસાયટીમા રહેતો ૩૩ વર્ષિય ભાવેશ અરજણભાઇ બલદાણીયા નોકરી કરતો હતો. દરમિયાન, ગત ૪ જાન્યુઆરીના રોજ તમામ ભેગા મળીને હિસાબ કરતા હતા ત્યારે છેલ્લા ત્રણ માસના અલગ અલગ હોસ્પિટલની ફાર્મસીના મેડિસીનના રૂ.૩.૨૦ લાખનો હિસાબ મળતો નહોતો. આથી તેમની પાસે પેમેન્ટ માંગતા તેમણે પેમેન્ટ સમયસર ભાવેશભાઈને આપી દીધું હોવાનું જણાવ્યું હતું.આથી હોસ્પિટલના ઍડમિનિસ્ટ્રેટિવ બીટ્ટી બિજુ જહોને ભાવેશને પૂછતાં તેણે પેમેન્ટ મળી ગયું છે પણ મારા ફેમિલી પ્રોબ્લેમને લીધે ઉપયોગમાં લીધાની કબૂલાત કરી અઠવાડિયામાં આપી દેવાની બાહેંધરી આપી હતી. પણ તેણે અઠવાડિયામાં પૈસા ચૂકવ્યા નહોતા. આથી ઍડમિનિસ્ટ્રેટિવ બીટ્ટી બિજુ જહોનને શંકા જતા તેમણે સ્ટોક ચેક કરાવતા રૂ.૬.૬૦ લાખનો સ્ટોક પણ મળ્યો નહોતો. આ અંગે ભાવેશને પૂછતાં તેણે જવાબ આપ્યો નહોતો અને બીજા દિવસથી નોકરીઍ આવવાનું બંધ કરી દેતા તેના ઘરેથી સ્ટોર રૂમની ચાવી મંગાવી તેના વિરુદ્ધ પોલીસમાં અરજી કર્યા બાદ વધુ ચકાસણી કરતા વધુ ઉચાપત થઈ હોવાનું જાણવા મળ્યું હતું. આથી તેને બોલાવી પૂછતાં તેણે પહેલા આક્ષેપો નકાર્યા હતા. પણ રૂ.૪ લાખ રોકડા ભરી બાકી રૂ.૧૨,૩૦,૫૨૭ આપવા ઇન્કાર કરતા છેવટે ઍડમિનિસ્ટ્રેટિવ બીટ્ટી બિજુ જહોને તેના વિરુદ્ધ ગતરોજ મહિધરપુરા પોલીસ મથકમાં ઉચાપતની ફરિયાદ નોંધાવી હતી.પોલીસે ગુનો નોધી તપાસ હાથ ધરી છે.