વરાછા વિસ્તારમાં રહેતી પરિણીતાને પતિ દ્વારા ત્રાસ અપાતો હોવાની ફરિયાદ મહિલા હેલ્પલાઈન અભયમને કરવામાં આવી હતી. જેને પગલે અભયમની ટીમે ઘટના સ્થળે પહોંચી હતી. ચોથી દીકરીનો જન્મ થયો હજી સાત માસ થયા છે અને હવે પતિ ફરી પ્રેગનેન્સી રાખવાનું દબાણ કરી દીકરાની માંગણી કરી ત્રાસ આપી રહયા હોવાની આપવિતી પરિણીતાઍ સંભળાવી હતી.
વરાછા વિસ્તારમાંથી પીડિતાનો ૧૮૧ મહિલા હેલ્પલાઈનને ફોન આવ્યો હતો. જેથી ૧૮૧ મહિલા હેલ્પલાઈનની ટીં સ્થળ પર પહોંચી પીડિતા સાથે વાતચીત કરતા તેમણે જણાવ્યું કે તેઓ જેતપુર રાજકોટના વતની છે. સુરત રોજગારી માટે આવ્યા છે અને તેમના પતિ તાડપત્રી વેચવાનું કામ કરે છે તેઓને ચાર દીકરીઓ છે. ચોથી દીકરીનો જન્મ થયો હજી સાત માસ થયા છે અને હવે પતિ ફરી પ્રેગનેન્સી રાખવાનું દબાણ કરે છે અને દીકરાની માંગણી કરે છે.
પીડિતા સાથે શારીરિક સંબંધ બાંધવા માટે પતિ બળજબરી કરે છે. પીડિતા પતિને ના પાડે તો બીજા પુરુષ સાથે સબંધ હોવાનો શંક કરે છે. પીડિતાઍ વધુમાં જણાવ્યું કે તેમના ભાઈ પણ અહીં જ રોજગારી માટે આવ્યા છે. તેવો ક્યારેક પીડિતાના ઘરે જમવા આવે તો ઍ પતિને પસંદ નથી. પીડિતાની મોટી દીકરી પીડિતાના માતા સાથે પિયરમાં રહે છે તેનો ખર્ચ પણ પતિ આપતા નથી અને અહી પણ ઘરખર્ચ માટે પીડિતાને પૂરતા પૈસા આપતા નથી.પીડિતાને ઘરખર્ચ માટે તેમના પિયરવાળા મદદ કરે છે. મહિલા હેલ્પલાઈનની ટીમે પીડિતાના પતિને સમજાવી લીગલી સમજ આપી હતી. પીડિતાને અને તેમના પતિને કુટુંબનિયોજનની પણ સમજ આપી હતી. આ સાથે વ્હાલી દીકરી યોજનાની સમજણ આપી હતી. પીડિતાના પતિઍ હવે પછી દીકરાના જન્મ અંગે પત્નીને માનસિક ત્રાસ નહીં કરે, પત્નીને હેરાન નહીં કરે તેમ જણાવ્યું છે. પીડિતાઍ પણ પતિ સાથે હાલ સમાધાન કર્યું છે.