ઉધના વિસ્તારમાં હેન્ડલૂમની દુકાનમાં રાત્રિના સમયે આગ લાગતા ભાગદોડ મચી ગઈ હતી. જોકે, આગ કાબુમાં આવ્યા બાદ ફરીથી મધરાત્રિના અરસામાં આગ ફાટી નીકળી હતી. જેને લઇને ફાયર બ્રિગેડ ફરીવાર દોડી આવી પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લીધી હતી. આગને કારણે હેન્ડલુમનો સામાન બળીને ખાખ થઈ ગયો હતો.
ઉધનામાં આવેલી હરિ ઈચ્છા ઈન્ડસ્ટ્રીયલ સોસાયટીમાં બસ ડેપો પાસે આવેલી શ્રી રામ હોમ ડેકોર નામની દુકાન ચંદ્રશેખર ભાટીયા ચલાવે છે. શુક્રવારે રાત્રિના સાડા નવ વાગ્યા આસપાસ દુકાનમાં ચંદ્રશેખર અને તેનો સ્ટાફ હાજર હતા ત્યારે દુકાનમાં હાજર ગ્રાહકને કંઈક સળગતું હોવાની દુર્ગંધ આવતાં દુકાનની ઉપરના ભાગે જઈને જોયું તો આગ હતી. જેથી દુકાનમાં હાજર ફાયરના સાધનો વડે આગ પર કાબુ મેળવી લઈને ફાયરબ્રિગેડને જાણ કરી હતી. જેથી ફાયરબ્રિગેડે આવી આગ પર કાબુ મેળવ્યો હતો.સાડા નવ વાગ્યે લાગેલી આગ પર કાબુ મેળવાયા બાદ ફરીથી રાત્રિના ૨ વાગ્યા આસપાસ આગ લાગી ગઈ હતી. જેથી તાત્કાલિક ફાયરબ્રિગેડનો સંપર્ક કર્યો હતો. ફાયરબ્રિગેડની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ફરીથી આગ પર કાબુ મેળવ્યો હતો. આગના કારણે દુકાનમાં રાખવામાં આવેલા પડદા, ગાલિચા, બ્લેન્કેટ સહિતનો સામાન બળીને ખાક થઈ ગયો હતો. અંદાજે લાખો રૂપિયાનું નુકસાન થયું હોવાનું સામે આવ્યું છે. ફાયરબ્રિગેડ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, શોર્ટ સર્કિટથી સમગ્ર આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન સેવવામાં આવી રહ્નાં છે. બે વખત આગ લાગી હતી. વાયરિંગમાં ફોલ્ટ હોવાના કારણે આગ લાગી હોવાનું કહી શકાય છે. રાત્રે બે વાગ્યે કોલ મળતાં માન દરવાજા, ભેસ્તાન અને મજૂરાની ૩ ગાડીઓ દ્વારા આગ પર કાબુ મેળવવામાં આવ્યો હતો.