
વરાછામાં કમલ પાર્ક સોસાયટી પાસે લેડી ડોન ભુરીની ગેંગના સાગરીત રાહુલ બોદાની મોડીરાત્રે તેના જ સાથીદાર કલ્પેશે ચપ્પુના ઘા ઝીંકી હત્યા કરી હતી. રાહુલ બોદા અને તેના મિત્રો કલ્પેશની હત્યાના ઈરાદે તેના ઘરે ગયા હતા. ત્યારે રાહુલ પાસેથી ચપ્પુ આંચકી તેની જ હત્યા કરી હોવાનું સામે આવ્યું છે.આ હત્યાની ઘટનામાં આરોપી કલ્પેશની પત્ની પણ ઈજાગ્રસ્ત થઈ હતી અને મૃતકનો મિત્ર પણ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો છે.
વરાછા કમલપાર્ક સોસાયટીમાં રહેતો કલ્પેશ દામોદરા અને રાહુલ બોદા ૬ દિવસ પહેલા દમણ ગયા હતા. જ્યાં બન્ને વચ્ચે ઝઘડો થયો હતો. જેની અદાવત રાખીને રાત્રે રાહુલ બોદા તેના મિત્રો સાથે કલ્પેશના ઘરે તેની હત્યાના ઈરાદે પહોંચ્યા હતા. તેઓ કલ્પેશ પર ચપ્પુ વડે હુમલો કરવાનો પ્રયાસ કરતા હતા. તે સમયે કલ્પેશે રાહુલ બોદાના હાથમાંથી ચપ્પુ આંચકી તેને ચપ્પુના ઘા ઝીંકી દીધા હતા અને તેનું ઢીમ ઢાળી ફરાર થઈ ગયો હતો. બનાવની જાણ થતા વરાછા પોલીસ અને ઉચ્ચઅધિકારીઓનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો .આ હત્યા પાછળ ઍક અઠવાડિયા પહેલા રાહુલ અને કલ્પેશ વચ્ચે ઝઘડો થયો હતો. જેના સમાધાન માટે કલ્પેશે ઘરે બોલાવ્યા હતા. જેથી રાહુલ અને મિત્ર જીત અને જલદિપ સાથે કલ્પેશના ઘરે ગયા હતા. જ્યાં વાતચીત દરમિયાન કલ્પેશે આવેશ આવી જઈ રાહુલને ચપ્પુના ઘા માર્યા હતા. આ સાથે જ કલ્પેશને પણ માથામાં ચપ્પુનો ઘા માર્યો હતો.દમણમાં થયેલી બબાલ અંગે આરોપીની પત્નીઍ ફરિયાદમાં જણાવ્યું છે કે, રાહુલ, કલ્પેશ સહિતના મિત્રો ૬ દિવસ પહેલાં દમણ ગયા હતા. જ્યાં બધાઍ ખૂબ જ દારૂ પીધો હતો. ત્યારબાદ ઈન્સ્ટાગ્રામ પર લાઈવ થયા હતા. જેમાં સુરતથી ઓનલાઈન કલ્પેશની પત્ની જોડાઈ હતી. જેથી રાહુલ સહિતના મિત્રોઍ કલ્પેશની પત્ની માટે અપશબ્દો બોલ્યા હતા. જે અંગે કલ્પેશને તેની પત્નીઍ જાણ કરી હતી. ત્યારબાદ દમણથી પરત ફરતા કલ્પેશે રાહુલ સહિતના મિત્રોને રસ્તામાં ઉતારી મૂક્યા હતા. આ બાબતે રાહુલ અને કલ્પેશ વચ્ચે ઝઘડો થયો હતો.મૃતક રાહુલના ભાઈઍ કલ્પેશ વિરુદ્ધ હત્યાની ફરિયાદ નોંધાવી છે. જ્યારે આરોપી કલ્પેશની પત્નીઍ પણ વરાછા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. જેમાં તેને પણ ચપ્પુના ઘા મારવામાં આવ્યો હોવાનું જણાવ્યું છે. જ્યારે મૃતકના ભાઈઍ સમાધાન માટે ઘરે બોલાવી કલ્પેશે રાહુલની હત્યા કરી હોવાની ફરિયાદ નોંધાઈ છે.