સુરતના લિંબાયતમાં વિસ્તારમાં રહેતા ઝવેરીઍ ધૂળેટીના દિવસે ભાંગ પીધી હતી. જે બાદ તેની તબિયત લથડતા ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા. જ્યાં સારવાર દરમિયાન ઝવેરીનું મોત નીપજ્યું હતું.
લિંબાયત વિસ્તારમાં આવેલી હરિદર્શન સોસાયટીમાં રહેતા ૨૯ વર્ષીય રાધેશ્યામ શેઠ લિંબાયતમાં જ જ્વેલરીની દુકાન ધરાવે છે. ઍક પુત્રી અને પત્ની સહિતના પરિવાર સાથે રાધેશ્યામ રહેતા હતા. ગત ૮ માર્ચના રોજ ધૂળેટીના દિવસે પરિવાર સાથે ઉજવણી કરી હતી. તે દરમિયાન રાધેશ્યામે ભાંગ પીધી હતી. ભાંગ પીધા બાદ રાધેશ્યામને પેટમાં બળતરાં સહિતની સમસ્યા સર્જાતા પરિવારજનો દ્વારા સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા. ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન રાધેશ્યામને તબીબોને મરણ જાહેર કરતા પરિવારજનો સ્તબ્ધ થઈ ગયા હતા. સપ્તાહની સારવાર ચાલી રહી હતી છતાં મોત થતાં પરિવારજનો ચિંતામાં મુકાયા હતા. મૃતક રાધેશ્યામના મોત અંગેનું કારણ જાણવા માટે સ્મીમેર હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ હાથ ધરવામાં આવ્યું છે. સ્મીમેર હોસ્પિટલથી મળતી જાણકારી પ્રમાણે, મૃતક રાધેશ્યામનું મોત ભાંગ પીવાથી થયું હોવાનું હાલ માનવામાં આવતું નથી. જેથી મોતનું કારણ જાણવા માટે સેમ્પલ લેવામાં આવ્યા છે. જે સેમ્પલના રિપોર્ટ આવ્યા બાદ મોતનું સાચું કારણ જાણવા મળશે.