
સુરત પાલિકા વિસ્તારમાં વેસુ ખાતે બનેલા સુમન મલ્હાર આવાસમાં લાભાર્થીઓ કરતાં વધુ ભાડુઆત હોવાથી લાભાર્થીઓની હાલત કફોડી થઈ રહી છે. પાલિકાના આવાસ ભાડે ન અપાય તેવો નિયમ હોવા છતાં અનેક લાભાર્થીઓઍ આવાસ ભાડે અપાયા બાદ ભાડુઆત દ્વારા નિયમોનું પાલન ન કરાતું હોવાથી લાભાર્થીમાં ભારે રોષ છે. સુમન મલ્હાર આવાસના મૂળ માલિકોઍ હલ્લાબોલ કર્યા બાદ ભાડુઆતને મકાન ખાલી કરી દેવા માટે અલ્ટીમેટમ આપ્યું છે. આવાસના માલિકોઍ પાલિકા-પોલીસને અરજી કરીને ગેરકાયદેસર રહેતા ભાડુઆતને મકાન ખાલી કરાવવા માટે રજૂઆત કરવામાં આવી છે. જો ભાડુઆત મકાન ખાલી ન કરે તો વીજ જોડાણ કાપી નાખવાની પણ ચીમકી આપવામાં આવી છે.
સુરત પાલિકાઍ વેસુ વિસ્તારમાં સુમન મલ્હાર આવાસ બનાવ્યા છે પાલિકા આવાસની ફાળવણી કર્યા સાથે સાત વર્ષ સુધી આવાસ ભાડે ન આપી શકાય તેવી શરત કરી હતી. જોકે, પાલિકાના આ નિયમોનો ભંગ કરીને કેટલાક માલિકો દ્વારા મકાન ભાડે આપી દેવામા આવ્યા છે. જેમાંથી કેટલાક ભાડુઆતના કારણે બિલ્ડીંગની શાંતિ અને સલામતી જોખમાય હોવાનો આક્ષેપ રહીશો દ્વારા કરવામાં આવ્યો છે. કેટલાક ભાડુઆતમાં અસામાજિક તત્વો હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે. આવાસમાં રહેતા ભાડુઆત દ્વારા ગેરકાયદે પ્રવૃત્તિ કરવામાં આવતી હોવાની પણ રહીશોને ભીતિ છે તેથી તેઓઍ પાલિકા અને પોલીસમાં નિયમ વિરુદ્ધ ભાડે રહેતા લોકોના નામ સાથે અરજી આપી છે. આ ઉપરાંત જે માલિકોઍ આવાસ નિયમ વિરુદ્ધ ભાડે આપ્યા છે તેઓને પણ ૧૫ માર્ચ પહેલાં ભાડુઆતને ખાલી કરાવી દેવા માટે સૂચના આપી છે. સોસાયટીની મળેલી બેઠકમાં રહીશોઍ ભાડુઆત નથી જોઈતા તેવો મત રજૂ કર્યો છે. પાલિકામાં ભાડુઆત અંગે ફરિયાદ કરી હોવા છતાં કોઈ પગલાં નહીં ભરાતા આવાસમાં રહેતા લોકોઍ જો પાલિકા કે પોલીસ કોઈ પણ કામગીરી ન કરે અને માલિક ભાડુઆતને મકાન ખાલી ન કરાવે તો ૧૬ માર્ચથી લાઈટ જોડાણ કટ કરવાની ચીમકી પણ આપી છે. વેસુના સુમન મલ્હારની જેમ પાલિકા અને સરકારના આવાસ મેળવ્યા બાદ આવાસ ભાડે આપવાનું મોટું કૌભાંડ ચાલી રહ્નાં છે. તેથી આ આવાસ સહિત અન્ય આવાસમાં ફ્લેટ મેળવ્યા બાદ ભાડે આપવાનું કૌભાંડ થઈ રહ્નાં છે તેની તપાસ કરવા માટે માગણી થઈ રહી છે.