ડુમસ રોડ સેન્ટ્રલ મોલની સામે નવજીવન લક્ઝરીયા કાર્સના શો રૂમમાં મોઘીદાટ કાર ખરીદવા આવેલા ઍક ગ્રાહકને ટેસ્ટ ડ્રાઇવ લેવાનો ભારે પડ્યો હતો. કસ્ટમરે ગાડીને સેલ મારતા જ સ્ટીયરીંગ પરથી કાબુ ગુમાવતા ગાડી સર્વિસ રોડ કુદાવી ઍસઍમસીના ફૂટપાથ પર પાર્ક કરેલી બે કારને અડફેટમાં લઇ બે કારને નુકસાન પહોચાડ્યો હતો. આ બનાવના પગલે કાર શોરૂમના મેનેજરે ઉમરા પોલીસ મથકમાં ફરિયાદ નોધાવી હતી.
ડુમસ ટીઍસપી સ્કુલની પાસે આવધ કેરોલીના સોસાયટીમાં રહેતા ૨૮ વર્ષીય આકાશ સુનીલ શાહ ડુમસ રોડ સેન્ટ્રલ મોલની સામે નવજીવન લક્ઝરીયા કાર્સના જેગુઆર-લેન્ડ રોવર ફોર વ્હીલ કંપનીના શો-રૂમમાં યુઝ કાર મેનેજર તરીકે નોકરી કરે છે. તારીખ ૧૭મી માર્ચના રોજ સાંજના સમયે મોટા વરાછા રામચોક પાસે સાંઈ દર્શન સંકુલમાં રહેતા રોનક દિલીપ ચોવડિયા નામનો કસ્ટમર જેગુઆર કંપનીની કાર ખરીદવા માટે આવ્યો હતો. રોનકે ટેસ્ટ ડ્રાઇવ માટે ગાડી માંગતા તે ગાડી શોરૂમમાં અવેલેબલ ન હતી. જેથી રોનક પરત જતો રહ્ના હતો ત્યારબાદ બીજા દિવસે ફરીથી રોનક શોરૂમમાં આવ્યો હતો. જ્યાં તેને રેન્જ રોવર કંપનીની ગાડીની ટેસ્ટ ડ્રાઇવ માટે કહેતા મેનેજરે ટેસ્ટ ડ્રાઇવ માટે ગાડી આપી હતી. રોનક સાથે કંપનીનો કર્મચારી નરેશ કાચરિયા બેઠો હતો ત્યારબાદ રોનકે ગાડીને સેલ મારતા સ્ટીયરીંગ પરથી કાબુ ગુમાવી સર્વિસ રોડ કુદાવી ઍસઍમસીના ફુટપાથ પર પાર્ક કરેલી બે ગાડીઓને અડફેટમાં લેતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતના કારણે બંને ગાડીઓને નુકસાન થયું હતું. આ બંને ગાડીઓ શો રૂમમાં કામ કરતા કર્મચારીઓની હોવાની સામે આવ્યું હતું. આમ રોનકે ટેસ્ટ ડ્રાઇવ દરમિયાન ગફલતભરી રીતે ગાડી હંકારી રેજ રોવર ગાડીને રૂપિયા ૧૦ લાખનું નુકસાન કર્યું હતું. તદઉપરાંત બંને ગાડીને પણ ભારે નુકસાન થયું હતું. આ બનાવ સંદર્ભે મેનેજર આકાશે ઉમરા પોલીસ મથકમાં ફરિયાદ નોધાવી હતી. પોલીસે ગુનો નોધી તપાસ હાથ ધરી છે.