સુરત શહેરની રોડ સેફટી કાઉન્સિલની બેઠક પોલીસ કમિશનર અજયકુમાર તોમરના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી. પોલીસ કમિશનર કચેરી ખાતે યોજાયેલી બેઠકમાં પોલીસ કમિશનરે શહેરમાં બીઆરટીઍસ અને સિટી બસો દ્વારા થતા અકસ્માતોને ધ્યાને લઈને ગફલતભરી રીતે ડ્રાઇવિંગ કરનારા બસ ડ્રાઇવરો સામે કડક કાર્યવાહી કરવાના નિર્દેશ આપ્યા હતા. આ સાથે જ મેટ્રોની કામગીરીને કારણે સર્વિસ રોડના દબાણો હટાવવા સૂચના આપવામાં આવી છે.
સુરત શહેરની રોડ સેફટી કાઉન્સિલની બેઠક પોલીસ કમિશનર અજયકુમાર તોમરના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી. જેમા પોલીસ કમિશનર અજય તોમરે જણાવ્યુ હતું કે, સુરત મહાનગરપાલિકાના દબાણ શાખા દ્વારા શહેરમાં કોઈ પણ જગ્યાઍ દબાણ હટાવવાની કામગીરી માટે પોલીસ બંદોબસ્તની જરૂરિયાત ઉપસ્થિત થાય ત્યારે તે અંગેની માગણી સ્પેશિયલ બ્રાંચને કરવામાં આવે ત્યારે તત્કાલ તેઓને બંદોબસ્તની ફાળવણી કરવામાં આવશે. ભાટીયા ટોલનાકાથી હજીરા સુધીના નેશનલ હાઇવે પર સ્પીડ લિમિટના સાઈન બોર્ડ લગાવવા માટે હાઇવેના અધિકારીઓને સૂચના આપવામાં આવી હતી.ઍસ.કે. નગર બ્રિજ નીચે ટ્રાફિકની સમસ્યા અંગે બન્ને સ્પાન ખુલ્લા કરવામાં આવ્યા છે અને ૮૦ ટકા કામગીરી પૂર્ણ થઈ ચૂકી હોવાની વિગતો ઍસઍમસીના અધિકારીઍ આપી હતી. આ ઉપરાંત મેટ્રો ટ્રેનની કામગીરીને ધ્યાને લઈને સર્વિસ રોડ પરના દબાણો હટાવવા માટેની સૂચના આપવામાં હતી. શહેરમાં ઍપ્રિલ માસ દરમિયાન ૨૬૯ જેટલા રખડતા ઢોર પકડવામાં આવ્યા હોવાની વિગતો સંબંધિત અધિકારીઍ આપી હતી.શહેરના કેટલાક વિસ્તારોમાં વૃક્ષોના કારણે સાઈન બોર્ડ ઢંકાઈ ગયા હોય સમયાંતરે વૃક્ષોનું ટ્રિમિંગ કરવા જણાવ્યું હતું. ટૂંક સમયમાં બીઆરટીઍસ અને સિટી બસોના ડ્રાઇવરોને અકસ્માતો અટકાવવાના આશયથી તાલીમ આપવામાં આવશે તેવી વિગતો નાયબ પોલીસ કમિશનર(ટ્રાફિક) અમિતા વાનાણીઍ આપી હતી.સુરત શહેરમાં મહાનગરપાલિકા દ્વારા ૧૫૮ ટ્રાફિક સિગ્નલો પૈકી ૫૦ સિગ્નલ શરૂ કરવામાં આવ્યા છે. જ્યારે બાકીના ૧૧૮ મળી કુલ ૨૭૬ સિગ્નલની કામગીરી શરૂ હોવાનું સંબંધિત અધિકારીઍ જણાવ્યું હતું. અકસ્માતોને ધ્યાને લઈ બીઆરટીઍસ પરના ક્રોસિંગ પરના વૃક્ષોનું સમયાંતરે ટ્રીમીંગ કરવાની ગાર્ડન વિભાગને સૂચના આપવામાં આવી હતી.