દર વર્ષે ૧૯ ઍપ્રિલે વર્લ્ડ લિવર ડે તરીકે મનાવવામાં આવે છે. લીવરને સ્વસ્થ રાખવા માટે ઘણી બાબતો પર વિશેષ ધ્યાન રાખવું જરૂરી છે. સુરતની નવી સિવિલમાં દર મહિને ૧૦૦ દર્દી લીવરની તકલીફની ફરિયાદ લઇને સારવાર માટે આવી રહયા છે. જ્યારે ગુજરાતમાં સુરતમાંથી પ્રથમ લીવર દાન કરવામાં આવ્યું હતું. જેના થકી ઍક યુવકને નવજીવન મળ્યું હતું.
સુરત સહિત ગુજરાતમાં લીવરમાં સોજો, લીવર ફેયર ઉપરાંત લીવર કેન્સર અને ફેટી લીવરના દર્દીઓમા પણ સતત વધારો થઈ રહયો છે. સાદા કમળામાં દર્દી બે સપ્તાહમાં સાજા થતા હતા, હવે ત્રણ-ચાર મહિના લાગતા હોય તેવા દર્દીઓનું પ્રમાણ વર્ષમાં ૫-૬ હતું તે હવે મહિને ૫-૬ થયું છે. કમળો લાંબો રહે તો લીવર પર ગંભીર અસર થાય છે. વધુ પડતો દારૂ લીવરના કોષોને નુકસાન પહોંચાડે છે. બેઠાડું જીવન, વધુ પડતો ખોરાક લીવરની તકલીફ વધારી શકે છે. સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં દર મહિને અંદાજિત ૧૦૦થી ૧૫૦ દર્દી લીવરના સોજા સહિતની તકલીફ સાથે આવી રહયા છે. ઍવુ સિવિલના મેડિસીન વિભાગના ડોક્ટરે જણાવ્યું હતું. સ્વસ્થ આહાર, નિયમિત કસરત જરૂરી છે. વાયરલ હિપેટાઈટીસ ગંભીર રોગ છે, જે લીવરને નુકસાન પહોંચાડે છે.સુરતના ૨૪ વર્ષીય યુવાન રાજુ ગોહિલને સ્મીમેર હોસ્પિટલમાં ૮ ફેબ્રુઆરી ૨૦૦૬ના રોજ ડોક્ટરોની ટીમે બ્રેઇનડેડ જાહેર કર્યો હતો. જેથી ડોનેટ લાઇફની ટીમે તેના પરિવારને અંગદાનનું મહત્વ સમજાવતા તેઓ સંમત થયા હતા અને બીજા દિવસે રાજુની કિડની અને લીવરનું દાન થયું હતું. ત્યારે ગુજરાતમાં લીવર ટ્રાન્સપ્લાન્ટ શરૂ થયું ન હોવાથી હૈદરાબાદની હોસ્પિટલમાં આંધપ્રદેશના ૪૦ વર્ષીય યુવાનમાં લીવર ટ્રાન્સપ્લાન્ટ કરાયું હતું. આ ગુજરાતમાં પ્રથમ લીવરનું દાન હતું. વર્ષ ૨૦૦૬થી અત્યારસુધીમાં ૧૯૭ વ્યક્તિના લીવર દાન મળ્યા છે. જેમાં ૧૮૫ વ્યક્તિને નવજીવન મળ્યું છે.