
ઇચ્છાપોર પોલીસ ઇન્સ્પેક્ટર એ.સી. ગોહિલ અને તેમની ટીમ મોરા ગામ અને મોરા ટેકરા વિસ્તારમાં પેટ્રોલિંગ માટે નીકળી હતી ત્યારે આ વિસ્તારમાં કેટલાક ક્લિનિક એવા જોવા મળ્યા હતા જે પ્રથમ નજરે જ શંકા ઉપજાવતા હતા.સાદું ટેબલ નાંખી બંગાલી દવાખાના, આયુર્વેદિક ક્લિનિક કે દવાખાના લખેલા બોર્ડ તો હતા, પરંતુ તેની ઉપર કોઇ ડિગ્રી હતી નહિ. ક્યાંક પતરાંની ચાલીમાં તો ક્યાંક નાના રૂમમાં કોઇ પણ સુરક્ષા વિના ચાલતા આ ક્લિનિકમાં બેસેલી વ્યક્તિઓને સીધી અંગ્રેજી ભાષા સુધ્ધાં બોલતા કે વાંચતા આવડતી નહતો. આશ્ચર્યજનક રીતે તમામ એલોપેથી દવા આપતા હતા.

ઇચ્છાપોર પોલીસે મંગળવારે મેડિકલ ઓફિસરને સાથે રાખી મોરા બજાર અને મોરા ટેકરા ટેકરામાં દરોડા પાડી ગોવિંદા પોભાત હાલદાર, રમેશ નકુલ મંડલ, ધીમની અમુલ્લા બિશ્વાસ, લક્ષ્મણ પ્રફુલ સરકાર અને મોરાગામ બાપા સીતારામ સોસાયટીમાં રહેતા કિશોર લક્ષ્મણ પટેલને દબોચી લીધો હતો.
૫૫ વર્ષીય કિશોર માત્ર નવમું ભણ્યો હતો પહેલાં કોઇ તબીબને ત્યાં કંપાઉન્ડર તરીકે નોકરી કર્યા બાદ પોતે જ તબીબ બની પ્રેક્ટિસ શરૂ કરી દીધી હતી.
ધીમલ અને રમેશ ૧૨મું ભણ્યા હોવાનું તથા લક્ષ્મણ બેચલર ઓફ ઇન્ડો એલોપેથી મેડિસિનની ડિગ્રી ધરાવતો હતો. જોકે તે એલોપેથી પ્રેક્ટિસ નહિ કરી શકે તેવી જોગવાઇ હોઇ તેની પણ ધરપકડ કરાઇ હતી.
