
રાજહંસ સિનેમા-ગ્રુપની આ પહેલના સૌ કોઈએ ખૂબ જ વખાણ કર્યા હતા અને સમાજમાં સહિયારા પ્રયાસ વડે ખુશી અને આશાનું અજવાળું ફેલાવવાના તેમના આયોજને દિવ્યાંગ બાળકો સહિત બધા ફેન્સના દિલ જીતી લીધા હતા
સુરત : રાજહંસ સિનેમાએ શહેરના દિવ્યાંગ બાળકો માટે “સિતારે જમીન પર” ફિલ્મનું સ્પેશિયલ સ્ક્રીનીંગ આયોજીત કરીને માનવતા અને કરુણાનો હૃદયસ્પર્શી ઉમદા સંદેશો આપ્યો હતો. આ કાર્યક્રમ રાજહંસ સિનેમા, વેસુ અને રાજહંસ સિનેમા, કતારગામ, સુરત ખાતે યોજાયો હતો. આ યાદગાર અનુભવનો ભાગ બનવા માટે આનંદ સ્પેશિયલ સ્કૂલ ફોર એજ્યુકેશન એન્ડ ટ્રેનિંગ અને દીપ સ્પેશિયલ એજ્યુકેશનલ ટ્રસ્ટના બાળકોને આમંત્રણ આપવામાં આવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે, રાજહંસ સિનેમા-ગ્રુપ, સમાજના દરેક તબક્કાના લોકોની સહભાગીતા અને મનોરંજન સ્ક્રીનની આગળ વધીને આનંદ-ઉલ્લાસ ફેલાવવા માટે પ્રતિબદ્ધ છે. તેના ભાગરૂપે યોજાયેલી, આ પહેલ બધાને સામેલ કરવાની વૃત્તિને પ્રોત્સાહન આપવા અને તમામ લોકો માટે અર્થપૂર્ણ, આનંદદાયક અનુભવો બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે.
અહીં કાર્યક્રમ દરમિયાન, હાસ્ય અને પ્રેરણાથી ભરેલા વાતાવરણ સાથે, ખરેખર બાળકોએ સિનેમાના જાદુનો અદ્ભુત અને યાદગાર અનુભવ કર્યો હતો. ઓડિટોરિયમ ખાસ કરીને તેમના આરામ અને સરળતા માટે ગોઠવવામાં આવ્યું હતું, જેમાં સ્વયંસેવકો અને સ્ટાફના સભ્યોએ દરેક બાળકના સ્વાગત અને દેખરેખની પૂરી કાળજી લીધી હતી.
આ પ્રસંગે, રાજહંસ સિનેમાના ચેરમેન જયેશ દેસાઈએ જણાવ્યું હતું કે, “અમારું માનવું છે કે, સિનેમામાં એકજૂટ કરવાની, વ્યક્તિને દુખ-દર્દમાથી બહાર લાવવાની અને પ્રેરણા આપવાની શક્તિ છે. આ સ્પેશિયલ સ્ક્રીનીંગનું આયોજન, એ વાસ્તવમાં સહિયારા અનુભવો બનાવવા તરફ એક નાનું પગલું છે, જે દરેક હૃદયમાં સ્મિત અને આનંદ લાવે છે.”
ફિલ્મના સ્ક્રીનીંગમાં બાળકો સાથે આવેલા માતા-પિતા, શિક્ષકો અને તેમની સંભાળ રાખનાર વ્યક્તિઓ દ્વારા આ પહેલની ખૂબ જ પ્રશંસા કરવામાં આવી હતી. અનેક લોકોએ સિનેમાને બધા માટે સુલભ બનાવવા માટે કરવામાં આવેલા આ વિચારશીલ ઉમદા પ્રયાસ બદલ આભાર વ્યક્ત કર્યો હતો.
આ ખાસ સ્ક્રીનિંગના આયોજન સાથે, રાજહંસ સિનેમાએ ફરી એકવાર માત્ર એક મુખ્ય મનોરંજન સ્થળ તરીકે જ નહીં, પરંતુ સહાનુભૂતિ, સર્વગ્રાહી અને સામાજિક જવાબદારી માટે જાણીતી બ્રાન્ડ તરીકે તેની ભૂમિકા સ્પષ્ટ કરી હતી.