
રાંદેર ઝોનમાં અડાજણ વિસ્તારમાં કેબલ બ્રિજના છેડે અડાજણ ઍક્વેરિયમને અડીને બે રોડ કોર્નરની મનપાની જગ્યા પર ગેરકાયદે કબજો કરવામાં આવ્યો છે અને તેઓ અહીં ચારેતરફ પતરાં મારીને અંદરની સાઈડ પર થોડા ભાગમાં ખેતી કરતા છે તેવું બતાવીને અનઅધિકૃત કબજો થઈ રહયો છે. અને તેઓ હાઈકોર્ટમાં પોતાનો કબજો બતાવવા માંગી રહયાં છે. જેથી મનપા પોતાની કરોડોની જમીન પર કબજો મળે તેવી માંગ પૂર્વ ડે.મેયર નીરવ શાહે કરી છે અને મેયર તેમજ રાંદેર ઝોનમાં આ અંગે લેખિતમાં જાણ કરી રજૂઆત પણ કરી છે.
રજૂઆતમાં તેઓઍ જણાવ્યું છે કે, ટાઉન પ્લાનિંગ વિભાગના શહેર વિકાસ અધિકારીના જણાવ્યા મુજબ રાંદેર ઝોન વિસ્તારમાં આવેલી અડાજણના રે.સ.નં. ૬૯૦ વાળી જગ્યાનો સમાવેશ મંજૂર ફાઇનલ ટી.પી. સ્કીમ નં.૧૦ (અડાજણ)માં થાય છે. મંજૂર વિકાસ નકશા-૨૦૩૫ મુજબ આ જગ્યા રિક્રિઍશન ઝોનમાં સમાવિષ્ટ છે. જમીનની માલિકીના અદ્યતન રેવન્યુ રેકર્ડ ૭/૧૨ મુજબ આ જગ્યાની માલિકી સુરત મહાનગરપાલિકાની છે. હાલમાં સુરત મહાનગરપાલિકાની કરોડો રૂપિયાની મૂલ્ય ધરાવતી ખુલ્લી જગ્યા પર અનઅધિકૃત કબજો કરી રહયાં છે. ભૂતકાળમાં આ જગ્યા સુરત મહાનગરપાલિકાઍ કેબલ બ્રિજના કામ માટે ગેમન ઈન્ડિયા અને યુનિક કન્સ્ટ્રક્શનને આપી હતી. તો પછી કોની રહેમ હેઠળ આ કબજો જે-તે પાર્ટી કરી રહી છે તે તપાસ કરવી જરૂરી છે અને મનપા તાકીદે આ જમીનનો કબજો મેળવે તેવી રજૂઆત નીરવ શાહ દ્વારા કરવામાં આવી છે.ઉલ્લેખનીય છે કે, હવે મનપા દ્વારા આ જગ્યાનો કબજો લઈ લેવામાં આવે છે કે પછી તોફાની તત્વોને તેનો કબજો લેવા દેવામાં આવે છે.તે જોવું રહયું .