
ઓલપાડ બેઠકના કોંગ્રેસનાં ઉમેદવારે ગેરકાયદે જિંગા તળાવો તોડી પાડવાની રજૂઆત કરી તો, કાંઠાના ત્રણ ગામમાં કોંગ્રેસ વિરોધી પોસ્ટર લગાવી વિરોધ કર્યો છે.
ઓલપાડ વિધાનસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર દર્શન નાયક દ્વારા ચૂંટણી પ્રચારના મુદ્દામાં કાંઠાના ગામોમાં સરકારી જમીન પર બિનધિકૃત કબ્જો કરીને બનાવેલા ગેરકાયદે જિંગા તળાવો તોડી પાડવાનો મુદ્દો ઉછાળતા ઓલપાડ તાલુકાનાં કાંઠાના ગામો પૈકી ભગવા , દેલાસા અને મોર ગામના લોકોઍ કોંગ્રેસ પક્ષ વિરોધનાં પોસ્ટરો લગાવ્યા છે. પોસ્ટરમાં લખાયા મુજબ અમો માછીમાર લોકો માછીમારી કરી ગુજરાન ચલાવીઍ છીઍ. પરંતુ અંગત સ્વાર્થ માટે હલકી કક્ષાની રાજનીતિ કરી અમારી આજીવિકાને નુકશાન કરનારા કોંગ્રેસનાં લોકોઍ અમારા ગામમાં પ્રચાર માટે આવવું નહીં. જયારે કોંગ્રેસનો વિરોધ કરનારા લોકોઍ કોંગ્રેસની માછીમારો વિરોધી નીતિ હોવાનું લખ્યું છે. પણ માછીમારો વિરોધનો કોંગ્રેસના મુદ્દાનો ઉલ્લેખ નથી કરાયો. ઉલ્લેખનીય છે કે ઓલપાડ કાંઠાના ભગવા, દેલાસા અને મોર આ ત્રણ ગામોમાં સરકારી જમીન પર બિન અધિકૃત કબ્જો કરીને મોટી સંખ્યામાં ગેરકાયદે જિંગા તળાવો બન્યા છે. ત્યારે ગેરકાયદે જિંગા તળાવો થકી અહી વર્ષે કરોડોનો વ્યાપાર થાય છે. ત્યારે ગેરકાયદે બનેલા જિંગા તળાવો પર બુલડોઝર ફરી જાય તો અનેક જિંગા તળાવ માફિયાઓઍ માથે હાથ દેવાનો વારો આવે તેમ છે.