
પાંડેસરા કે.ઍસ.બી. ઓલમ્પીયા કોમ્પલેક્સની પાર્કિંગમાંથી પોલીસે બાતમીના આધારે દારૂ ભરેલી બે કાર સાથે ત્રણ આરોપીઓને ઝડપી પાડી પાંજરે પૂર્યા છે. પોલીસે દારૂનો જથ્થો, કાર, મોબાઈલ વગેરે મળી કુલ રૂ. ૭ લાખ ૯૮ હજારની મત્તા કબજે કરી છે.
પાંડેસરા પોલીસને બાતમી મળી હતી કે, કે.ઍસ.બી. ઓલમ્પીયા કોમ્પલેક્સની પાર્કિંગમાં જીજે-૬, ઍફક્યુ-૪૬૧૨ નંબરની કાર અને જીજે-૫, સીઍફ-૩૨૯૯ નંબરની વેગેનાર કારમાં દારૂનો જથ્થો લઈને બુટલેગરો ઊભા છે અને ત્યાંથી દારૂની હેરાફેરી કરવાના છે. આ હકીકતના આધારે પોલીસે છાપો મારી દારૂ ભરેલી બે કાર સાથે ત્રણ બુટલેગરોને ઝડપી પાડ્યા હતાં. પોલીસે પૂછપરછ કરતા પરવત પાટીયા અનુપમ હાઇટ્સમાં રહેતો સુરેન્દ્ર શ્યામલાલ ગુજ્જર, પાંડેસરા સાંઈમોહન ફ્લેટમાં રહેતો રણજીત ચમનજીલાલ સ્વામી અને રાજસ્થાન સીકર તાલુકાના જૂના કડા ગામનો વતની પ્રકાશ ભંવરલાલ ગુજ્જર હોવાનું જણાવ્યું હતું. પોલીસે બંને કારની તલાશી લેતા રૂ. ૧ લાખ ૭૦ હજારની ૮૨ નંગ દારૂની બોટલ મળી આવી હતી. પોલીસે દારૂનો જથ્થો કાર, ત્રણ મોબાઈલ મળી કુલ રૂ. ૭ લાખ ૯૮ હજારની મત્તા કબજે કરી છે.