
ત્રણ વર્ષ પૂર્વે વરાછા પોલીસ સ્ટેશનમાં નોધાયેલા હીરાની ચોરીના ગુનામાં વોન્ટેડ આરોપી જયસુખ કોટરીયાની સુરત શહેર ક્રાઇમ બ્રાંચે પરવત પાટીયા ઍમેઝીયા વોટર પાર્ક પાસેથી ધરપકડ કરી હતી.
વરાછા પોલીસ મથકે સન ૨૦૧૯ના વર્ષમાં મહિધરપુરાના હીરા બજારમાં હીરાની દલાલી કરતા નટવરભાઈ મોહનભાઈ નાયક પાસેથી મૂળ અમરેલી જિલ્લાના નાઠી તાલુકાના અડતારા ગામના વતની અને હાલમાં પૂણાગામ ગુલાબબાબા ચોક પાસેની જમણાબા રોહાઉસ ખાતે રહેતા જયસુખ રાઘવભાઈ કોટરીયા અને તેના સાગરીત રિપેશ હર્ષદ રાજાણી અને હિતેશે ભેગા મળીને રૂ. ૧૮ લાખ ૬૮ હજારથી વધુની કિંમતના હીરા વેચાણ માટે લીધાં બાદ તેના રૂપિયા નટવરભાઈ નાયકને નહીં ચૂકવી ઠગાઈ કરી હતી. આ ગુના અંગે વરાછા પોલીસ મથકે ફરિયાદ નોધાતા તે સમયે પોલીસે રિપેશ રાજાણી અને હિતેશની ધરપકડ કરી હતી. જ્યારે મુખ્ય સૂત્રધાર જયસુખ રાઘવ કોટરીયા પોલીસ ધરપકડથી બચવા માટે આફ્રીકા ભાગી ગયો હતો. જાકે, હાલમાં રૂ. ૧૮.૬૮ લાખની હીરા ઠગાઈમાં વોન્ટેડ આરોપી જયસુખ કોટરીયા તેના ઘરે આવ્યો હતો અને તે પરવત પાટીયા ઍમેઝીયા વોટર પાર્ક પાસે ઊભો હોવાની મળેલી બાતમીના આધારે સુરત શહેર ક્રાઇમ બ્રાંચના પીઍસઆઈ પીઍન પઢીયાર સહિતની ટીમે તેને ઝડપી પાડી વરાછા પોલીસને તેનો કબજા સોîપ્યો હતો.