
પાલિકાના અઠવા ઝોનમાં ભટાર સ્થિતિ જાણીતા આર્શિવાદ પેલેસમાં ૪૦થી વધુ લોકો કોરોના પોઝિટીવ જાહેર થયા છે. આ સાથે જ શુક્રવારે પાલિકા તંત્ર કોરોના કલ્સ્ટર જાહેર કરી છ પૈકીના પાંચ પ્રવેશદ્વાર સીલ કરી દીધા હતા. ઇમરજન્સી કામગીરી માટે માત્ર એક દરવાજો ખુલ્લો છોડ્યો હતો.
ભટાર ખાતે આવેલા આર્શિવાદ પેલેસમાં કોરોના પોઝિટીવ દર્દીઓનું પ્રમાણ ચિંતાજનક બની રહયું છે. કેમ્પસમાં રહેઠાણ ધરાવતા ૪૦થી વધુ લોકો વિતેલા ચાર દિવસમાં જ કોરોના જ પોઝિટીવ જાહેર થયા છે. કેમ્પસની લગભગ તમામ બિલ્ડિંગમાં કોરોના પોઝિટીવ કેસ આવી ચૂક્યા હોય આરોગ્ય તંત્રે આજે આર્શિવાદ પેલેસને કોરોના કલ્સ્ટર જાહેર કર્યું હતું. આ સાથે જ તમામ સ્થાનિક રહીશોને ક્વોરેન્ટાઇ ન પિરિયડ દરમિયાન કેમ્પસ નહીં છોડવા આદેશ કર્યો હતો. સોસાયટીના કુલ છ પ્રવેશ દ્વાર પૈકી પાંચ ગેઇટ શુક્રવારે સાંજે સીલ કરી દીધા હતા. તંત્રની આ કાર્યવાહીને પગલે સ્થાનિક રહીશોમાં ફફડાટ વ્યાપી ગયો હતો.કોરોના કલ્સ્ટર કે કન્ટેગ્મેન્ટ એરિયામાં શહેરનો સૌથી વધુ પોશ વિસ્તાર કહેવાતા અઠવા ઝોનમાં નોંધાયા છે. વેસુ, પીપોદ, ભટાર, અલથાણ, સિટીલાઇટ સહિતના વિસ્તારોમાં સતત વધી રહેલા કોવિડ કેસોને પગલે માત્ર અઠવા ઝોનમાં શુક્રવારે ૧૭૫ જેટલી સોસાયટી કે બિલ્ડિંગ કોરોના કલ્સ્ટર હોવાનું નોંધાયું હતું. તે ઉપરાંત શહેરના અન્ય વિસ્તારો મળી કુલ ૩૦૦થી વધુ કેમ્પસ કોરોના પાલિકાના રેકર્ડ ઉપર નોંધાયા છે.