ઉધના વિસ્તારમાં સેટ્ટી બ્રધર્સ રેસ્ટોરાંના માલિક ઉપર બે રાઉન્ડ ફાયરિંગ થયું છે. ફાયરિંગ કરનારા શખસને લોકોએ ઝડપી લીધો છે અને ઢોરમાર માર્યો છે. આ ઘટનાની જાણ થતા જ ઉધના પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને આરોપીને ઝડપીને પિસ્તોલ કબ્જે કરી હતી.
ઉધના વિસ્તારમાં નોવા કોમ્પ્લેક્સની સામે શેટ્ટી બ્રધર્સ રેસ્ટોરાંના માલિક રાજુ વાંકોડે પર ૩ અજાણ્યા ઈસમો ફાયરિંગ કરવા આવ્યા હતા. રેસ્ટોરાંમાં જ્યારે અજાણ્યા શખ્સો ફાયરિંગ કરવાના ઈરાદે ઘૂસ્યા હતા. ત્યારબાદ હોટલમાં રહેલા માણસોએ અજાણ્યા ઈસમોને પકડવાનો પ્રયાસ કરતા ત્રણેયે ભાગવાનું શરૂ કર્યું હતું. જે પૈકી જેના હાથમાં પિસ્તોલ હતી. તેણે પોતાના બચાવમાં ફાયરિંગ કરવાનું શરૂ કરી દીધું હતું. છતાં લોકોએ ડર્યા વગર તેને ઝડપીને પકડી પાડ્યો હતો અને માર માર્યો હતો. જ્યારે અન્ય બે ઈસમ ફરાર થઈ ગયા હતા.પાંડેસરાના નાગસેનમાં રહેતો રાજુ વાંકોડે દારૂના ધંધામાં સંડોવાયેલો હોવાનું જાણવા મળ્યું છે. બુટલેગર તરીકે તે આ વિસ્તારમાં કુખ્યાત છે. રાજુ વાંકોડે અને પ્રવિણ રાવત વચ્ચે છેલ્લા લાંબા સમયથી અંગત અદાવત ચાલી રહી છે અને તેના કારણે જ આ ફાયરિંગની ઘટના બની હોવાનું જાણવા મળી રહયું છે. ફિલ્મી ઢબે ફાયરિંગ કરવા આવેલા ઈસમોને લોકોએ ઝડપી પાડી માર મારતા લોહીલુહાણ થયેલા ઇજાગ્રસ્તને સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.ઘટનાની જાણ થતાં પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. ફાયરિંગ કરવા આવેલા શખસને માર મારવામાં આવ્યો હતો તેની પાસેથી ઉધના પોલીસે એક ફૂટેલી કારતૂસ તેમજ અન્ય ચાર જીવતા કારતૂસ ઝબ્બે કર્યા હતા. રાજુ વાંકોડે ઉપર ફાયરિંગ કયા કારણથી કરવામાં આવ્યું છે તે તપાસ શરૂ કરવામાં આવી છે. આ ઉપરાંત અન્ય ફરાર ઈસમોને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.