અમરોલીમાં બીઆરટીઍસ બસ ખતરાની ઘંટડી વગાડી દોડતી હોવાનો વધુ ઍક કિસ્સો સામે આવ્યો છે. સાઉથ ગુજરાત યુનિવર્સિટીની વિદ્યાર્થીનીઓને અડફેટે લીધાની ઘટનાના ૨૪ કલાકમાં જ અમરોલીમાં બીઆરટીઍસ બસે રાહદારી વૃદ્ધાને અડફેટે લેતા મોતને ભેટી હોવાનું સામે આવ્યું છે. શનિવારની સવારે બનેલી ઘટના બાદ બીઆરટીઍસ બસ સામે લોકોમાં રોષ દેખાતા ડ્રાઇવર ઘટના બાદ સ્થળ પરથી ભાગી ગયો હોવાનું લોકોઍ જણાવ્યું છે.
ઘટનાને નજરે જોનાર રવિઍ જણાવ્યું હતું કે મહિલા રાહદારી રોડ ક્રોસ કરતી હતી. બસના ચાલકે મહિલાને અડફેટે લઈ કચડી નાખતા સ્થળ પર જ મહિલા તડફડીને મોતને ભેટી હતી. કેટલીક મહિલાઓની ચિચયારી નીકળી ગઈ હતી. ધ્રુજારી આવી જાય ઍવી ઘટનાને લઈ લોકોની ભીડ ભેગી થઈ ગઈ હતી. તાત્કાલિક લોકોઍ ૧૦૮ને જાણ કરતા ઍ પણ દોડી આવી હતી. જોકે ત્યાં સુધીમાં સમય નીકળી ગયો હતો.વધુમાં જણાવ્યું હતું કે લોકોના આક્રોશ વચ્ચે પોલીસ દોડી આવતા ભાગદોડ મચી ગઇ હતી. મહિલાની ઓળખ દિશામાં તપાસ શરૂ કરાઇ હતી. બસનો ડ્રાઇવર ભાગી જતા પોલીસે તેની શોધખોળ કરવા ટીમ રવાના કરી હતી. હાલ પોલીસ તપાસ ચાલી રહી છે.