
ગ્રિષ્મા હત્યાકાંડ બાદ શહેર પોલીસ કમિશનરે ન્યુસન્સરૂપ બનેલા કપલ બોક્ષ પર પ્રતિબંધ ફરમાવી દીધો હતો. જે અંતર્ગત ડિંડોલી પોલીસે ગેરકાયદે મિસ્ટર કૂલ કોફી કાફેની આડમાં ચાલતા કપલ બોક્ષમાં દરોડા પાડી સંચાલકની અટકાયત કરી હતી.
પોલીસ કમિશનરે જાહેરનામા બાદ કોફીશોપ, હોટલો, કાફે, રેસ્ટોરન્ટમાં સ્પષ્ટ રીતે દેખાય તેવી બેઠક વ્યવસ્થા રાખવા અને સીસીટીવી કેમેરા લગાડવાનો સ્પષ્ટ નિર્દેશ જાહેરનામામાં કરાયો હતો. શહેરના કોઇપણ પોલીસ સ્ટેશનની હદમાં કપલબોક્સ દેખાશે તો અધિકારીઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની પણ કમિશનરે ચીમકી આપી હતી. આ જાહેરનામા બાદ શહેર પોલીસે ઠેક-ઠેકાણે કોફી શોપની આડમાં ચાલતા કંપલ બોક્ષ બંધ કરાવી દીધા હતા. ડિંડોલી પોલીસે સાઇ પ્લાઝામાં સ્ટિર કૂલ કોફી કાફેમાં તપાસ કરી હતી. અહીં ૪ કપલ બોક્ષ બનાવાયા હતા. પ્રતિબંધ છતાં કપલ બોક્ષ ચાલું રાખવા બદલ પોલીસે કાર્યવાહી કરી હતી. ડિંડોલી પોલીસે સંચાલક શિવમ વિકેશ શુકલાની જાહેરનામા ભંગ અન્વયે ગુનો નોંધી અટકાયત કરી હતી. દરમિયાન કાફેમાં હાજર શિવમનો નાનો ભાઇ નિખિલ ગભરાઇ ગયો હતો. નિખિલને ખેંચ આવતા સારવારાર્થે હોસ્પિટલ ખસેડાયો હતો.