
સુરત મહાનગરપાલિકા દ્વારા રજૂ કરાયેલા બજેટમાં નવી શાળા બનાવવાનું અથવા તો જે શાળાઓ છે તેમાં વર્ગો વધારવાની દિશામાં કામ કરવામાં આવી રહયું છે જે અંતર્ગત અડાજણ અને લિંબાયત વિસ્તારની ૨ શાળાઓને ઉતારી લેવામાં આવી છે. આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરીને હવે ઇમારતોને ઉતારી પાડવાની કામગીરી ખૂબ જ ઓછા સમયમાં પૂર્ણ થઈ જાય છે તેમજ આસપાસના વિસ્તારમાં પણ તેની કોઈ અસર થતી નથી.
સુરત મહાનગરપાલિકા દ્વારા નિર્ણય લેવાયો હતો કે શહેરની આ બે શાળાને ઝડપથી ઉતારીવાની કામગીરી શરૂ કરવામાં આવે.બન્ને ઇમારતોને ઉતારી લેવા માટેની કામગીરી શરૂ કરાઇ હતી. પોકેલેન મશીન અને ઍક નાના જેસીબી મશીનની મદદથી જર્જરિત થયેલી શાળાને ઉતારી લેવાઈ હતી. પોકેલેન મશીનની મદદથી ઍ રીતે બિલ્ડીંગ ઉતારી લેવામાં આવે છે કે ઇમારતનો કોઈપણ ભાગ આસપાસની જગ્યા ઉપર ન પડે જેથી કરીને કોઈ જાનહાનિ કે અન્ય નુકસાનનું જોખમ રહેતું નથી. ગણતરીના સેકન્ડોમાં તો બન્ને ઇમારતો પત્તાની માફક કકડભૂસ થઈને જમીનદોસ્ત થઇ ગઇ હતી. ધરાશાયી થયેલ ઇમારતોને કારણે થોડી ધૂળની ડમરીઓ જેવી ઉઠી હતી પરંતુ તે ઍક જગ્યા ઉપર આખો કાટમાળ પડે છે જેથી કરીને ખૂબ જ સરળતાથી કામ પૂર્ણ થઈ જાય છે.મહાનગરપાલિકા દ્વારા લિંબાયત અને અડાજણ વિસ્તારમાંથી જે શાળાઓને દૂર કરવામાં આવી છે તેના સ્થાને નવી શાળા બનાવવા માટેનું આયોજન પણ કરી લેવાયું છે. મહાનગરપાલિકાની શાળાઓમાં વિદ્યાર્થીઓની સંખ્યામાં વધારો થતાં તાત્કાલિક અસરથી નવી શાળાઓ તૈયાર કરવામાં સમય લાગી શકે છે તેને કારણે જે જૂની ઇમારતો છે તેના ઉપર જ અન્ય બે થી ત્રણ જેટલા માળ ઊભા કરીને ત્યાં જ વર્ગખંડ શરૂ કરી દેવાનું પણ આયોજન કરવામાં આવ્યા છે પરંતુ જે ઇમારતો વર્ષો જૂની છે અને જર્જરીત સ્થિતિમાં છે. તેવી શાળાઓને દૂર કરીને તેના સ્થાને નવી સ્કૂલો બનાવવા માટેનું ફંડ ફાળવવામાં આવ્યું છે.