
કતારગામ વસ્તાદેવડી રોડ પટેલ ઇન્ડસ્ટ્રીયલ ઍસ્ટેટમાં આવેલા ડાયમંડ પ્રોસેસીંગ મશીન બનાવવાના ખાતામાંથી ફીટરે જ રૂ.૨.૭૭ લાખના પાર્ટ્સની ચોરી કરી હતી.સ્ટોકની ગણતરીમાં હિસાબ નહીં મળતા ખાતેદારે સીસીટીવી ફૂટેજ ચેક કરતા ફીટરે વીતેલા બે અઠવાડીયામાં ટુકડે ટુકડે કરેલી ચોરી નજરે ચઢતા તેના વિરુદ્ધ કતારગામ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.
મૂળ અમરેલીના સાવરકુંડલાના ઘનશ્યામ નગરના વતની અને સુરતમાં વેડરોડ દર્શન પાર્ક ઘર નં.ઍ/૧૧ માં રહેતા ૪૧ વર્ષીય નરેશભાઇ નાનુભાઇ રાદડીયા કતારગામ વસ્તાદેવડી રોડ પટેલ ઇન્ડસ્ટ્રીયલ ઍસ્ટેટ ઍ/૨૮ માં સીલીકોન ટેક્નોલોજીસના નામે ડાયમંડ પ્રોસેસીંગ મશીન બનાવવાનું ખાતું ધરાવે છે. તેમને ત્યાં જુદાજુદા વિભાગમાં કુલ ૨૫ કારીગરો કામ કરે છે. દરમિયાન, ત્રણ દિવસ અગાઉ તે સ્ટોક ચેક કરતા હતા ત્યારે હિસાબ નહીં મળતા તેમણે ખાતામાં ફીટ કરેલા સીસીટીવી કેમેરા ચેક કર્યા તો તેમને ત્યાં ફીટર તરીકે નોકરી કરતો અને કાપોદ્રા, લક્ષ્મણનગર નજીક ઠાકોરદ્વાર સોસાયટીમાં રહેતો ૩૧ વર્ષીય પ્રફુલ જયંતીભાઈ કાનપરીયા સ્ટોર રૂમમાંથી પાર્ટ્સ ચોરતો નજરે ચઢ્યો હતો. આથી નરેશભાઈઍ વિતેલા દિવસોના સીસીટીવી ફૂટેજ ચકાસ્યા તો પ્રફૂલે ૨૩ મે થી ૪ જૂન દરમિયાન ખાતાના સ્ટોર રૂમમાંથી કુલ રૂ.૨,૭૬,૭૪૫ ની મત્તાના પાર્ટ્સની ચોરી કરી હોવાનું જાણવા મળ્યું હતું. આ અંગે નરેશભાઈઍ ગતરોજ પ્રફુલ વિરુદ્ધ કતારગામ પોલીસ મથકમાં નોકર ચોરીની ફરિયાદ નોંધાવતા પોલીસે તેને ઝડપી પાડવા તજવીજ હાથ ધરી છે.