
ખુન, ખુનની કોશિશ, ધાડ, લૂંટ, ખંડણી ઉઘરાવવા જેવા અસંખ્ય ગુનામાં પકડાયેલા અને છેલ્લાં છ વર્ષથી નાસતા ફરતા કુખ્યાત આરોપી પ્રવીણ રાઉતને પકડવા માટે સુરત ક્રાઇમ બ્રાંચ દ્વારા ઓપરેશન ઘોસ્ટ.. હાથ ધરવામાં આવ્યું હતું. ક્રાઇમ બ્રાંચે બિહારમાં ઍક અઠવાડિયા સુધી ધામા નાંખી વિવિધ વેશ ધારણ કરી આરોપીની રેકી કરી તેને દબોચી પાડી સુરત લાવવામાં આવ્યો છે. પ્રવીણ રાઉત કડોદરા, પાંડેસરા, ઉધના અને બિહારમાં નોધાયેલાં ગુનાઓમાં નાસતો ફરતો હતો. અગાઉ સુરત શહેરના વિવિધ પોલીસ મથકોમાં મર્ડર, લૂંટ, ધાડ જેવા ૧૭ સંગીન ગુનાઓમાં પકડાઈ ચૂક્યો છે.
પોલીસ કમિશનર દ્વારા ખુન, ખુનની કોશિશ, ધાડ, લૂંટ જેવા ગુનાઓમાં નાસતા ફરતા આરોપીઓની યાદી બનાવવા માટે સુરત ક્રાઇમ બ્રાંચને સુચના આપી હતી. સુરત શહેરને ક્રાઇમ ફ્રી બનાવવાની નેમ સાથે આરોપીને ઝડપી પાડી ન્યાય સુધી પહોચાડવાની કાર્યવાહી કરવાની સુચના પણ પોલીસ કમિશનર દ્વારા કરવામાં આવી હતી. ક્રાઇમ બ્રાંચના અધિકારીઓઍ ક્રાઇમ બ્રાંચની વિવિધ ટીમોને નાસતા ફરતા આરોપીને શોધી કાઢવા માટે વિવિધ ઓપરેશનો હાથ ધરવા માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. જે પૈકી ચાર ખુન, ધાડની કોશિશ, હથિયાર રાખવા, લૂંટ, ખંડણી જેવા ગુનાઓમાં પકડાયેલો કુખ્યાત આરોપી પ્રવીણ રાઉત છેલ્લાં ઘણાં સમયથી નાસતો ફરતો હતો. ક્રાઇમ બ્રાંચે તેને ટાર્ગેટ કરી તેને પકડી પાડવા માટે વિવિધ ટેકનિકલ ટીમોને કામે લગાડ્યા હતાં. આરોપીને પકડવા માટે ઓપરેશન ઘોસ્ટ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં પીઆઈ, ટેકનિકલ સર્વેળન્સ, હ્નામન ટેકનોલોજીની મદદથી આરોપીનું પગેરુ શોધવાની કામગીરી હાથ ધરી હતી. પોલીસને માહિતી મળી હતી કે પ્રવીણ રાઉત તેના વતન બિહારના ગોરમા ગામ ખાતે છે. જેથી સુરત ક્રાઇમ બ્રાંચની ટીમ તૈયાર કરવામાં આવી હતી. જેમાં બે પીઆઈ અને ૮ પોલીસકર્મીઓ સાથે ૮ ટીમ બિહાર રવાના થઈ હતી. બિહાર રાજ્યના પોલીસની ઍસટીઍફ બ્રાંચની મદદ લઈ બિહારમાં ઍક અઠવાડિયા પહેલા ધામા નાંખ્યા હતાં. ત્યારબાદ ટેકનિકલ અને વુમન ઇન્ટેલીજન્સના આધારે માહિતીની ખરાઈ કરવામાં આવી હતી. જાકે, પોલીસ પાસે પ્રવીણ રાઉતનો કોઈ ફોટોગ્રાફ કે હુલિયો ઉપલબ્ધ ન હતો. જેથી તેની ઓળખ કરવા માટે પોલીસને પરસેવો પાડવો પડ્યો હતો. ત્યારબાદ માહિતી ખરાઈ કરવામાં ચુક થાય તો આરોપી માથાભારે હોવાથી તે ભાગી જવાની ફિરાકમાં કે પોલીસ પર હુમલો કરવાની શંકા હતી. જેથી ક્રાઇમ બ્રાંચે અલગ-અલગ ટીમો બનાવી લોકલ પહેરવેશ ધારણ કરી લુંગી-બનિયાન અને ગમછામાં ફરવાનું શરૂ કર્યું હતું. ત્યારબાદ બીજી ટીમ ફ્રૂટની લારી અને અન્ય જગ્યાથી ભાડે લઈ ફ્રૂટ વેચવા અવારનવાર ગામમાં જઈ રેકી કરી આરોપીની માહિતી મેળવતા હતાં. ઍક અઠવાડિયાની મહેનત બાદ તમામ માહિતીની ખરાઈ થતાં આરોપી ખુબ જ માથાભારે અને ચાલાક હોવાથી તે પોતાની પાસે હથિયાર રાખવાની ટેવ ધરાવતા હતો. જેથી આરોપીને પકડવા પોલીસે તમામ સતર્કતા દાખવી હતી. ઓપરેશન ગુ રાખી હિંમતભેર આઠમા દિવસે આરોપી કેટલા વાગે ઘરેથી બહાર નીકળે અને ક્યાં જાય છે તેની ખરાઈ કરી હતી. ત્યારબાદ પ્રવીણ રાઉત ઘરેથી તાડી પીવા ગામના પાદરેથી પસાર થતો હતો ત્યારે પોલીસે તેને દબોચી લીધો હતો. પોલીસે પૂછપરછ કરતા બિહારના નાલંદા જિલ્લાના ગોરમા ગામનો વતની અને હાલ પલસાણાના કડોદરા ખાતે રહેતો પ્રવીણ ઉર્ફે દીપક દશરથ રાઉત હોવાનું જણાવ્યું હતું. ક્રાઇમ બ્રાંચની ટીમ પ્રવીણ રાઉતને લઈ સુરત આવી હતી. જ્યાં પોલીસ કમિશનરે પત્રકાર પરિષદ યોજી પ્રવીણ રાઉતની વિગતો આપી હતી. જેમાં આરોપી બીજા રાજ્યના વ્યક્તિના નામે બોગસ સિમકાર્ડ મેળવી સુરત ખાતે તેના ટીમના સાગરીતોનો સંપર્ક કરી તેમના મારફતે સુરતના વેપારી વર્ગની માહિતી મેળવી તેઓને ભયમાં મૂકી ધાકધમકી આપી ખંડણીની રકમ વસૂલતો હોવાનું જણાયું હતું. ત્યારબાદ પોતાની વિરોધ ગેગના માણસો સાથે જાહેરમા મારામારી કરી ફાયરિંગ કરી મોત નીપજાવાના ગુનામાં પણ પ્રવીણ રાઉત સામેલ છે. પોતાની ગુનાહિત પ્રવૃત્તિ ચાલુ રાખવા માટે આંગડીયા પેઢી અને હીરા વેપારીની લૂંટ માટેની સોપારી મેળવી આર્થિક લાભ મેળવતો હતો. પ્રવીણ રાઉત કડોદરા, પાંડેસરા, ઉધના અને બિહારના નાલંદા પોલીસ મથકમાં છેલ્લાં ૬ વર્ષથી વોન્ટેડ હતો. આ ઉપરાંત પ્રવીણ રાઉતને ઝડપી પાડનાર ટીમને સરકાર તરફથી જે કંઈ ઈનામો મળશે, તેનાથી વિશેષ ઈનામો મળે તે અંગે રાજ્ય સરકારમાં ભલામણ કરવામાં આવશે.