
વેસુના સોમેશ્વરા સ્કેવરમાં આવેલી યુનિક સિક્યુરીટી ઍજન્સીના માલિકને લખનઉની થર્ટ પાર્ટી પેરોલ સર્વિસમાં ૭ ટકા વળતરની લાલચ આપી ગાર્ડસના ઍકાઉન્ટમાં રૂ. ૬.૩૯ લાખ ટ્રાન્સફર કરાવી રાતોરાત ભુગર્ભમાં ઉતરી જનાર પોતાની ઍજન્સીના મેનેજર સહિત બે વિરૂધ્ધ વેસુ પોલીસમાં છેતરપિંડીની ફરીયાદ નોંધાય છે.
પાંડેસરા સર્વોદય નગરમાં રહેતા અને વેસુના સોમેશ્વરા સ્કેવરમાં યુનિક સિક્યુરીટી ઍજન્સી ચલાવતા સુશીલ અવધબિહારી પાંડેનો વર્ષ ૨૦૧૯ માં સિસા સિક્યુરીટીમાં જનરલ મેનેજર તરીકે નોકરી કરતા નવીન ત્રિપાઠી સાથે પરિચય થયો હતો. જાન્યુઆરી ૨૦૨૨ માં સિસા સિક્યુરીટીમાંથી નોકરી છોડી બી.આઇ.જી.ઍસ સિક્યુરીટીમાં મેનેજર તરીકે નોકરીમાં જોડાયેલા નવીને પડોશી મિત્ર નારાયણસીંગને સુશીલની ઍજન્સીમાં મેનેજર તરીકે નોકરી પર રખાવ્યો હતો. દરમિયાનમાં નવીન અને નારાયણે લખનઉના બી.ઍલ રોડની કે.ઍલ. ગુપ્તા ગોવિંદમ ઍસોસિઍશનનો થર્ડ પાર્ટી પે-રોલ કોન્ટ્રાક્ટ અને સર્વિસ ચાર્જ પેટે ૭ ટકા વળતર મળશે તેવી લાલચ આપી હતી. જેથી લાલચમાં આવી સુશીલે ગોવિંદમ ઍસોસિઍશન દ્વારા મોકલાવેલા ૩૦ ગાર્ડસની યાદી મુજબ તેઓના બેંક ઍકાઉન્ટમાં જીઍસટી અને સર્વિસ ચાર્જ સહિત કુલ રૂ. ૬.૩૯ લાખ ડિપોઝીટ કર્યા હતા. આ રકમની સુશીલે ઉઘરાણી કરતા નારાયણસીંગ નોકરી છોડી દીધી હતી અને નવીન સાથે મળી બંને જણા ભુગર્ભમાં ઉતરી ગયા હતા. સુશીલે નવીનની શોધખોળ કરતા તેણે અન્ય ઍજન્સી સાથે પણ પાંચ લાખની ઠગાઇ કર્યાનું જાણવા મળ્યું હતું.