
રીંગરોડ ન્યુ ટેક્ષટાઇલ માર્કેટમાં કાપડની દુકાન ધરાવતા ઍક વેપારી પાસેથી હરીયાણાના વેપારીઍ દલાલ મારફતે રૂ.૧૩.૮૮ લાખનો ઉધાર કાપડનો માલ ખરીદ્યા બાદ પૈસા ન ચુકવી ધાક ધમકી આપી હોવાની ફરીયાદ પોલીસ મથકમાં નોધાઇ છે.
પુણાગામ સીતારામ સોસાયટીમાં રહેતા પ્રકાશભાઇ ભીમરાજભાઇ જાશી રીંગરોડ ન્યુ ટેક્ષટાઇલ માર્કેટમાં ભાનુ ટેક્ષટાઇલ નામથી કાપડની દુકાન ધરાવે છે. દોઢ વર્ષ પહેલાં ભટાર ચાર રસ્તા શિખર કોમ્પલેક્ષમાં રહેતા રામનિવાસ મહેશ્વરીઍ પ્રકાશભાઇનો સંપર્ક કર્યો હતો. ત્યારબાદ હરીયાણા ન્યુ ફાટ ફીરોજપુર સ્થિત દિલ્હી અનવર રોડ પર આયના ટેક્ષટાઇલથી કાપડનો ધંધો કરતા મોહંમદ હાકીમનો પરીચય આપ્યો હતો. ત્યારબાદ દલાલ રામનિવાસ અને હાકીમે પ્રકાશભાઇ સાથે મુલાકાત કરી સમયસર પૈસા ચુકવી દેવાની બાંહેધરી આપી શરૂઆતમાં ઉધાર માલ લઇ પૈસા ચુકવી પ્રકાશભાઇનો વિશ્વાસ કેળવ્યો હતો. ત્યારબાદ બંને જણાંઍ તા. ૩ – ૩ – ૨૦૨૧ થી ૨૮ – ૫ – ૨૦૨૨ સુધી રૂ.૧૪.૬૪ લાખથી વધુનો ઉધાર કાપડનો માલ ખરીદ્યો હતો. બદલામાં હાકીમે રૂ.૭૫ હજારથી વધુની રકમ ચુકવી બાકીના રૂ.૧૩.૮૮ લાખ વેપારી ધારા ધોરણ મુજબ ચુકવી આપવાની બાંહેધરી આપી હતી. પરંતુ સમય મર્યાદામાં પૈસા ન આવતા પ્રકાશભાઇઍ ઉઘરાણી શરૂ કરી હતી. પરંતુ બંને જણાંઍ પ્રકાશભાઇને ગાળો આપી હવે પછી પૈસાની ઉઘરાણી કરશો તો જાનથી મારી નાંખવાની ધમકી આપી મોબાઇલ અને દુકાન બંધ કરીને ભાગી છુટ્યા હતા. આ બનાવ સંદર્ભે પ્રકાશભાઇઍ સલાબતપુરા પોલીસ મથકમાં ફરીયાદ નોધાવી હતી. પોલીસે ગુનો નોધી તપાસ હાથ ધરી છે.