- મંદિરના ભટ્ટજી મહારાજે વૈદિક મંત્રોચ્ચાર સાથે વિધિનો પ્રારંભ કર્યો
- અનેક શ્રદ્ધાળુઓ આ વિધિમાં ભાગ લેવા પહોંચ્યા
- વહીવટદારના હસ્તે ઘટ સ્થાપન વિધિનું પૂજન કરાવવામાં આવ્યું
આદ્યશક્તિની આરાધનારૂપી નવરાત્રિનો શનિવારથી પ્રારંભ થયો છે. પ્રથમ દિવસે યાત્રાધામ અંબાજીમાં શાસ્ત્રોક્તવિધિ સાથે ઘટ સ્થાપન કરવામાં આવી રહ્યું છે. ગત વર્ષ કોરોના મહામારીને કારણે ભાવિકોની હાજરી વગર ઘટ સ્થાપન કરવામાં આવ્યું હતું, જોકે આ વખતે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અંબાજી મંદિર ખાતે ઉપસ્થિત છે અને માતાજીના ઘટ સ્થાપનની વિધિમાં હાજરી આપી છે. મંદિરના ભટ્ટજી મહારાજે વૈદિક મંત્રોચ્ચાર સાથે વિધિનો પ્રારંભ કર્યો છે. વહીવટદારના હસ્તે ઘટ સ્થાપન વિધિનું પૂજન કરાવવામાં આવ્યું છે.
નવરાત્રિ મહાપર્વનો આજથી પ્રારંભ
શક્તિ ઉપાસનાના મહાપર્વ નવરાત્રિનો ગુરુવારથી શુભ આરંભ થઈ રહ્યો છે, ત્યારે યાત્રાધામ અંબાજીમાં કોરોના મહામારીની બે વર્ષની લાંબી અવધિ બાદ આ નવરાત્રિએ માતાજીના દર્શનાર્થે આવતા શ્રદ્ધાળુઓને મા અંબા નીરોગી રાખે એ સાથે માઈભક્તોએ મહામારીની સાવચેતી માટે સરકારની કોરોના ગાઈડલાઈન્સનું પાલન કરે, માસ્ક અવશ્ય ધારણ કરે એવો અનુરોધ છે. આ સાથે સમગ્ર વિશ્વ આધિ, વ્યાધિ, ઉપાધિમાંથી મુક્ત થાય એવી મા અંબાને પ્રાર્થના છે. > જયશીલભાઈ ઠાકર, પૂજારી ભટ્ટજી મહારાજ અંબાજી મંદિર.
આરતી તથા દર્શનના સમયમાં ફેરફાર
શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા જણાવ્યું છે કે સૂર્યોદય અને સૂર્યાસ્તના સમયમાં ઋતુ પ્રમાણે ફેરફાર થવાથી અંબાજી માતા મંદિરમાં યાત્રાળુઓની સગવડતા ખાતર આસો સુદ-1 (એકમ) ગુરુવારને 7 ઓક્ટોબરથી આરતી તથા દર્શનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. આ સમય પ્રમાણે ભક્તોએ દર્શન અને આરતીનો લાભ લેવાનો રહેશે એમ જણાવાયું છે.
દર્શનનો સમય રહશે
આરતી સવારે 7:30થી 8:00
દર્શન સવારે 8:00થી 11:30
રાજભોગ બપોરે 12:00 કલાકે
દર્શન બપોરે 12:30થી 4:15
સાંજે આરતી 6:30થી 7:00
સાંજે દર્શન 7:00થી 9:00
નવરાત્રિ અંગેનો કાર્યક્રમમાં આ પ્રમાણે રહેશે
(1) આસો સુદ-8 :- બુધવારને 13 ઓક્ટોબર આરતી સવારે 6:00 કલાકે
(2) ઉત્થાપન:- આસો સુદ–8 બુધવારને 13 ઓક્ટોબરે આરતી સવારે 11:10 કલાકે
(3) વિજ્યાદશમી (સમી પૂજન):- આસો સુદ-10 શુક્રવારને 15 ઓક્ટોબર સાંજે 6:00 કલાકે
(4) દૂધ-પૌંઆનો ભોગ: 20 ઓક્ટોબરને બુધવારના રોજ રાત્રે 12:00 કલાકે કપૂર આરતી
(5) આસો સુદ પૂનમ:- આસો સુદ-15 બુધવાર 20 ઓક્ટોબરને આરતી સવારે 6:00 કલાકે રહેશે, જેની જાહેર જનતાએ નોંધ લેવા વિનંતી છે.
માર્ગ અને મકાનમંત્રીએ મા અંબાનાં દર્શન કર્યાં
કરોડો શ્રદ્ધાળુઓની પરમ શ્રદ્ધા તેમજ શક્તિ, ભક્તિ અને આસ્થાના પરમ કેન્દ્ર સમાન પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે માર્ગ અને મકાન, વાહનવ્યવહાર, નાગરિક ઉડ્ડયન, પ્રવાસન અને યાત્રાધામ વિકાસ વિભાગના મંત્રી પૂર્ણેશભાઇ મોદીએ નવરાત્રિના પ્રથમ નોરતે ભક્તિભાવપૂર્વક માતાજીનાં દર્શન અને પૂજા-અર્ચના કરી મા જગદંબાના આશીર્વાદ મેળવ્યા હતા.