સુરતમાં સલાબતપુરા પોલીસ સ્ટેશનના તમામ ૧૦૪ કર્મચારીઓની સામૂહિક બદલી કરવામાં આવી છે. ટેક્સટાઇલ એસોસિએશન દ્વારા મળેલી અંસખ્ય ફરિયાદ અંતગર્ત સુરત પોલીસ કમિશનર એક્શન મોડમાં આવી ગયા છે. અત્રે ઉલ્લેખનિય છે કે, ટેક્સટાઇલ એસોસિએશન દ્વારા ટેક્સટાઈલ માર્કેટમાં થતી છેતરપિંડીઓને લઈને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંધવીને પણ રજૂઆત કરી હતી.
શહેરના અલગ અલગ પોલીસ મથકોમાં વેપારીઓ સાથે થયેલી છેતરપિંડી મામલે કરોડો રૂપિયાના કેસો બને છે. જેમાંથી બધા કેસમાં પોલીસ સ્ટેશનમાં ફરિયાદ થઇ શકતી નથી. સુરતના સલાબતપુરા અને પુણા પોલીસ સ્ટેશનમાં સૌથી વધારે ટેક્સ્ટાઇલ માર્કેટ આવેલી છે. આ ઉપરાંત ઉધના, પાંડેસરામાં પણ કેટલીક ફરિયાદો દાખલ થાય છે.માર્કેટમાં કાપડ વેપારીઓ સાથે ઓનલાઇન છેતરપિંડીના કિસ્સાઓ પણ ખુબ ઝડપથી વધી રહયા છે. બહારના રાજ્યોના વેપારીઓ ઓનલાઇન કાપડ મંગાવે છે. વેપારી સોશિયલ મીડિયા પર ડિઝાઇન કંઈક અલગ બતાવે છે, અને પાર્સલ કંઈ અલગ મોકલાવે છે. જેના કારણે વેપારીઓ વચ્ચે તકરાર વધી જાય છે.ભ્રષ્ટાચાર અને ગેરરીતિના સૌથી વધુ આક્ષેપો થાય છે તે પોલીસ તંત્રની છાપ સુધારવા માટે હવે રાજ્ય ગૃહ વિભાગ આકરાં પગલાં લેવા જઇ રહયું છે. શહેરી વિસ્તારોમાં જે પોલીસ સ્ટેશનની હદમાં ગુનાખોરી સહિતની અસામાજિક પ્રવૃત્તિઓ ફુલીફાલી હશે તેવા બદનામ પોલીસ સ્ટેશનોનો સંપૂર્ણ સ્ટાફ બદલવાની કવાયત હાથ ધરવામાં આવી છે.સૂત્રોએ કહયું કે દરેક મોટા શહેરોમાં કેટલાક પોલીસ સ્ટેશનો બદનામ થઇ ચૂક્યા છે. મતલબ કે એ વિસ્તારમાં ગુનાખોરી અને અસામાજિક પ્રવૃત્તિઓ વ્યાપક પણે ચાલતી હોય છે અને દારૂથી લઇને ગુંડાગીરી માટે તે વિસ્તાર કુખ્યાત બની ગયો હોય છે. પરંતુ આ પ્રકારની પ્રવૃત્તિને જડમૂળથી નાબૂદ કરવા માટે સૌપ્રથમ પોલીસ તંત્રમાં સુધારો લાવવાનો પ્રયાસ કરાશે. આવા વિસ્તારોમાં ગુનાકીય પ્રવૃત્તિ પોલીસની આંખ નીચે જ ચાલતી હોય છે. અને પોલીસ સ્ટેશનનો સમગ્ર સ્ટાફ આવી પ્રવૃત્તિમાં સામેલ હોવાના આક્ષેપો પણ થતા રહે છે.પોલીસ સ્ટેશનના પીઆઇ બદલવાથી સ્થિતિ બદલાતી નથી કેમ કે તેના હાથ નીચેનો સ્ટાફ આવી પ્રવૃત્તિમાં મદદરૂપ હોય છે. તેથી આવા પોલીસ સ્ટેશનોની યાદી તૈયાર કરવામાં આવી છે અને ત્યાં પીઆઇ, પીએસઆઇ, રાઇટર, હેડ કોન્સ્ટેબલથી માંડીને ડ્રાઇવર સહિતનો તમામ સ્ટાફ બદલી નાંખવામાં આવશે. સૌપ્રથમ સુરતથી આ ડ્રાઇવ શરૂ થશે ત્યારબાદ અમદાવાદ અને અન્ય શહેરોમાં પણ કાર્યવાહી શરૂ કરવામાં આવશે.