કાગવડ ખોડલધામ પાટોત્સવના ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જોકે કોરોના સંક્રમણને ધ્યાનમાં રાખીને કાર્યક્રમમાં ફેરફાર કરીને ઘણી મર્યાદિત સંખ્યામાં કાર્યક્રમનું આયોજન કરવાનું નક્કી કરાયું હતું. ખોડલધામ પાટોત્સવમા સુરતથી હજારોની સંખ્યામાં પાટીદારો પોતાની કુળદેવીના દર્શન માટે અને કાર્યક્રમમાં હાજર રહેવા માટે જતા હોય છે. જો કે સંક્રમણને ધ્યાને રાખી ખોડલધામ ટ્રસ્ટ દ્વારા તમામ લોકો માતાની આરતી લાઈવ નિહાળી શકે તેના માટેની વ્યવસ્થા કરવામાં આવી હતી. જેમાં સુરતથી હજારો પાટીદારો જોડાયા હતા.
ખોડલધામ પાટોત્સવના કાર્યક્રમને પાટીદારો અલગ અલગ વિસ્તારોમાં લાઈવ નિહાળી શકે તેના માટે એલઈડી સ્ક્રીનની વ્યવસ્થા કરવામાં આવી હતી. અંદાજે ૧૦૦ જેટલી એલઇડી સ્ક્રીન લગાડવામાં આવી હતી. પાટીદારોના ગઢ મનાતા મીની બજારમાં પણ એલઈડી લગાડવામાં આવી હતી. જેના થકી હજારો લોકોએ ખોડલધામ પાટોત્સવનો કાર્યક્રમ લાઈવ નિહાળ્યો હતો. દિવસભર જે પણ કાર્યક્રમો થશે તે અહીં પોતે સુરતમાં નિહાળી શકશે. સુરત ખોડલધામ સમિતિના પ્રમુખ ધાર્મિક માલવિયા જણાવ્યું કે, સુરતની અલગ-અલગ સોસાયટીઓમાં પણ પાટીદારો દ્વારા ખોડલધામમાં આરતી કરવામાં આવી બરાબર તે જ સમયે સ્થાનિક લોકોએ પોતાની સોસાયટીઓમાં પણ આરતી કરી હતી. કોરોના સંક્રમણ વિસ્ફોટને કારણે સુરત શહેરમાં પણ ખૂબ જ મોટા પ્રમાણમાં લોકો સંક્રમિત થઈ રહ્ના છે. સરકારે જે પ્રકારની ગાઇડલાઇન આપી હતી. તે મુજબ ખોડલધામમાં પણ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. જેથી કરીને સુરતથી જે હજારો લોકો ખોડલધામ પાટોત્સવમાં હાજરી આપવા માટે પહોંચવાના હતાં. તે જોઈ શક્યા નથી. સુરત ખોડલધામ સમિતિ દ્વારા આવનારા દિવસોમાં સામાજિક અને શૈક્ષણિક રીતે અલગ અલગ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. જેની જાહેરાત આગામી દિવસોમાં કરવામાં આવશે. ખોડલધામ પાટીદારોનું આસ્થાનું કેન્દ્ર છે. પાટોત્સવમાં ભલે હાજર ન રહી શક્યા. પરંતુ સુરતથી જ મા ખોડલના પાટીદારોએ ઘરે-ઘરે આરતી કરીને પોતાની આસ્થા દાખવી હતી.