
વરાછાની હીરા ઉદ્યોગ કંપની ઍક્સપોર્ટના માલિક તેમજ તેમનાં બે ભત્રીજા સહિત ૧૬ સામે કર્મચારીને માર મારવાની ઘટનામાં કોર્ટે કેસ દાખલ કરવાનો આદેશ આપ્યો હતો. જેને લઈ વરાછા પોલીસે ૧૬ જણાં સામે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
સરથાણા જકાતનાકા સેલિબ્રેશન હોમ્સ ખાતે રહેતા નૈનાબેન જિજ્ઞેશકુમાર કાકડીયાઍ કોર્ટમાં ફરિયાદ કરી હતી કે તેમના પતિ જિજ્ઞેશ વરાછાની કિરણ ઍક્સપોર્ટમાં હેડ તરીકેનો હોદ્દો ધરાવતા હતાં. તે દરમિયાન ૨૨ કેરેટ હીરાનાં પેકેટ પડ્યા હતાં. તે પેકેટ જિજ્ઞેશે ૨૧ નવેમ્બર ૨૦૨૨ના રોજ કિરણ ઍક્સપોર્ટના માલિક વલ્લભ લખાણીને પરત આપી દીધાં હતાં અને હીરા અંગે જિજ્ઞેશે પોતાની ભુલ પણ સ્વીકારી હતી, પરંતુ જે-તે સમયે વલ્લભભાઈ લખાણીઍ જિજ્ઞેશને કશું પણ કહ્નાં ન હતું. ત્યારબાદ ૨૪મી નવેમ્બર ૨૦૨૧ના રોજ દિવાળીની રજાઓ પૂરી થયા બાદ કંપનીમાં કામકાજ શરૂ થઈ ગયો હતો, ત્યારે જિજ્ઞેશ કંપનીનો હેડ હતો અને જિજ્ઞેશ કાપડીયા પર ચોરીનો આક્ષેપ મૂકી તેને માર મારવામાં આવ્યો હતો અને આ બનાવમાં જિજ્ઞેશ જ આરોપી બનાવવામાં આવ્યો હતો. કિરણ ઍક્સપોર્ટના માલિક વલ્લભભાઈ શ્યામજીભાઈ લખાણી, તેમના ભત્રીજા વરુણ બાબુ લખાણી, આશીષ બાબુ લખાણી અને કંપનીનાં કર્મચારીઓ જીતુ મિયાણી, જિતેન્દ્ર ઝડફિયા સહિત ૧૬ જણાંઍ જિજ્ઞેશને માર માર્યો હતો. આ બનાવ સંદર્ભે જિજ્ઞેશની પત્ની કોર્ટમાં ફરિયાદ કરી હતી. કોર્ટે ફરિયાદના આધારે વરાછા પોલીસને ગુનો દાખલ કરવા માટે આદેશ આપ્યો હતો. આ સમગ્ર મામલે તપાસ કરી ૬૦ દિવસમાં કોર્ટમાં અહેવાલ આપવાની તાકીદ કરી હતી. જે સંદર્ભે વરાછા પોલીસે કિરણ ઍક્સપોર્ટના માલિક, તેના બે ભત્રીજા અને કર્મચારીઓ સહિત ૧૬ જણાં સામે ગુનો નોધી તપાસ હાથ ધરી છે.