
સુરતના મુલચંદ માર્કેટમાં ઓફિસ ધરાવતા અશ્વનીકુમાર રોડના ગ્રે કાપડ પર જોબવર્ક કરતા વેપારીને રૂ.૨૯.૮૨ લાખનું બાકી પેમેન્ટ ચૂકવ્યા વિના અવધ માર્કેટમાં દુકાન ધરાવતો રખિયાની પરિવાર દુકાન અને મોબાઈલ ફોન બંધ કરી ફરાર થઈ ગયો હતો.
મહિધરપુરાના મંછરપુરા કોલસાવાડ ઘર નં.૩/૩૮૬ માં રહેતા ૫૪ વર્ષીય ભરતકુમાર ચંપકલાલ માયવાલા અશ્વનીકુમાર રોડ પટેલનગરની સામે પ્લોટ નં.૭૪ માં ગ્રે કાપડ ઉપર જોબવર્કનું કામ કરે છે. તેમની ઓફિસ રીંગરોડ મુલચંદ માર્કેટમાં આવેલી છે. તેમની પેઢીનું ઍકાઉન્ટનું કામ કરતા સીઍ મનદીપ ચોક્સીઍ ઍપ્રિલ ૨૦૧૯ માં ફોન કરી લાલબહાદુર રામ રખિયાની ઉર્ફે લાલુભાઇને તેમની ઓફિસે મોકલ્યા હતા. ન્યુ બોમ્બે માર્કેટ નજીક અવધ માર્કેટમાં પુત્રી જાગૃતિના નામે જે.આર.ફેશન નામથી સાડીનો વેપાર કરતા લાલબહાદુર રામ રખિયાની અને તેમના પુત્ર મોહિતે ૧૬ ઓક્ટોબર ૨૦૨૦ થી ૨૬ જુલાઈ ૨૦૨૧ દરમિયાન કુલ રૂ.૨૯,૮૧,૬૯૬ નું જોબવર્ક કરાવ્યું હતું. જોકે, રખિયાની પરિવારે પેમેન્ટ પેટે આપેલા ચેક રિટર્ન થયા હતા. આથી ભરતકુમારે તેમની દુકાને જઈ તપાસ કરી તો તેમની દુકાન બંધ થઈ ગઈ હતી. તેમનો ફોન પર સંપર્ક કરતા તેમણે ધમકી આપી હતી અને બાદમાં તેમનો ફોન પણ બંધ થઈ ગયો હતો. આ અંગે ભરતકુમારે કરેલી અરજીના આધારે સલાબતપુરા પોલીસે ગતરોજ રખિયાની પરિવાર વિરુદ્ધ છેતરપિંડીનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.