
શહેરમાં સૌભાગ્યવતી મહિલાઓએ પતિના લાંબા દીર્ઘાયુ માટે વટ સાવિત્રીનું વ્રત રાખી વિવિધ મંદિરો અને ધાર્મિક સ્થળોએ વિશેષ પૂજા-અર્ચના કરી હતી. વહેલી સવારથી જ મોટી સંખ્યામાં વડના વૃક્ષની પ્રદક્ષિણા કરતી જાવા મળી હતી.
ભારતીય સંસ્કૃતિમાં આ વ્રત આદર્શ નારીત્વનું પ્રતિક માનવામાં આવે છે. વટ સાવિત્રીના વ્રતમાં વડ અને સાવિત્રી, બંનેનું પણ ખુબ જ વિશેષ મહત્વ હોય છે. હિંદુ ધર્મશાસ્ત્રો અનુસાર પીપળાના વૃક્ષની સામે વડનું વૃક્ષ એટલે કે બરગદનો વૃક્ષ પણ એટલું જ મહત્વ ધરાવે છે. આ વૃક્ષને પણ વિશેષ અને મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આપણા પ્રાચીન પુરાણોઅનુસાર વડ વૃક્ષ ના મૂળમાં બ્રહ્મા, મધ્યમાં ભગવાન વિષ્ણુ અને અગ્રભાગમાં ભગવાન શિવનો વાસ માનવામાં આવે છે. તેમજ એવું પણ કહેવામાં આવે છે કે તેને નીચે બેસીને પૂજા તેમજ વ્રતકથા વગેરે સાંભળવાથી દરેક મનોકામના પૂર્ણ થાય છે. મંગળવારે વડ સાવિત્રીનો તહેવાર હોવાથી સૌભાગ્યવતી મહિલાઓએ પોતાનાં પતિનાં લાંબા આયુષ્ય માટે વ્રત રાખ્યો હતો અને વહેલી સવારે જ મંદિર સહિત અન્ય વિસ્તારોમાં આવેલા પૌરાણિક વડના વૃક્ષની પ્રદક્ષિણા કરવા માટે મહિલાઓ પહોચી ગઈ હતી. વડને સુતરની આંટી પહેરાવી પ્રદક્ષિણ કરી પતિના લાંબા આયુષ્ય માટેની પ્રાર્થના કરી હતી.